વર્લ્ડ કપ: આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે ભારત
શુભમન ગિલ વિના જ રમશે ટીમ ઇન્ડિયા
નવી દિલ્હી: વન-ડે વર્લ્ડકપમાં આજે ભારત નવી દિલ્હી ખાતે ફિરોઝ શાહ કોટલાના મેદાનમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે બે વાગ્યે શરૂ થશે. પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવનારી ભારતીય ટીમ ફોર્મમાં છે અને તે અફઘાનિસ્તાન સામે એક તરફી જીત નોંધાવવા માટે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમનો ઓપનર શુભમન ગિલ સ્વસ્થ ન થયો હોવાના કારણે તે આ મેચમાં પણ રમશે નહીં. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે ભારત સામે સૌથી મોટો પડકાર નવ અલગ-અલગ જગ્યાઓ પર પરિસ્થિતિને અનુરૂપ બનવાનો રહેશે.
ફિરોઝ શાહ કોટલાનું મેદાનની પીચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે. તાજેતરમાં જ રમાયેલી દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની વર્લ્ડ કપ મેચમાં ૭૦૦થી વધુ રન થયા હતા. ઓસ્ટ્રેલિયા સામે કિશન અને શ્રેયસ ઐયર ખરાબ શોટ રમીને આઉટ થયા હતા. આ વખતે તેઓએ આ ભૂલને દૂર કરવી પડશે.
રોહિત શર્માની સાથે ઇશાન કિશન ઓપનિંગ કરશે. ભારત માટે અફઘાનિસ્તાનના બોલિંગ આક્રમણનો સામનો કરવો મુશ્કેલ નહીં હોય. આ મેચ વિરાટ કોહલીના હોમ સિટીમાં છે જેથી તે મોટી ઇનિંગ રમીને ચાહકો માટે મેચ યાદગાર બનાવવા માંગશે. કે. એલ. રાહુલ મિડલ ઓર્ડરમાં રમશે તે નક્કી છે.
ઓસ્ટ્રેલિયા સામે ભારતનું બોલિંગ કોમ્બિનેશન શાનદાર હતું. જો ભારત ત્રણ સ્પિનરો સાથે નહીં રમે તો અશ્ર્વિમના સ્થાને મોહમ્મદ શમીને પ્લેંઇગ ઇલેવનમાં સ્થાન મળવાની સંભાવના છે.
બીજી તરફ બંગલાદેશ સામે હાર્યા બાદ અફઘાનિસ્તાનની ટીમ વધુ સારું પ્રદર્શન કરવાનું લક્ષ્ય રાખશે. અફઘાનિસ્તાનની તાકાત તેના સ્પિનરો છે પરંતુ બેટ્સમેનોએ તેમનો સાથ આપવો પડશે. માત્ર ઓપનિંગ બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝ જ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. બંગલાદેશ સામે આખી ટીમ ૧૫૬ રનમાં આઉટ થઈ ગઈ હતી પરંતુ આમાં સુધારો કરવાની જરૂર છે.