વર્લ્ડ કપ: ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવ્યું: કોહલી-રાહુલે અપાવી જીત
ચેન્નઇ: ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ૬ વિકેટે વિજય થયો હતો. આ મેચમાં ભારતની જીતના હીરો લોકેશ રાહુલ અને વિરાટ કોહલી રહ્યા હતા. ૨૦૦ રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ટીમ ઇન્ડિયાએ એક સમયે બે રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ બાદમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. રોહિત શર્મા, શ્રેયસ ઐય્યર અને ઇશાન કિશન ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. કેએલ રાહુલને શાનદાર ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. કોહલી અને કેએલ રાહુલ વચ્ચે ૧૬૫ રનની ભાગીદારી થઇ હતી.
કેએલ રાહુલે ૯૭ રનની અણનમ ઇનિંગ રમી હતી અને કોહલીએ ૮૫ રનની ઇનિંગ રમી હતી. આ બે સિવાય માત્ર હાર્દિક પંડ્યા જ પોતાનું ખાતું ખોલાવી શક્યો હતો. તેણે ૧૧ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે ત્રણ અને મિશેલ સ્ટાર્કે એક વિકેટ ઝડપી હતી. અગાઉ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૪૯.૩ ઓવરમાં ૧૯૯ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. રવિવારે ચેન્નઈના ચેપોક મેદાન પર ભારતીય સ્પિનરોનો દબદબો રહ્યો હતો. રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને રવિચંદ્રન અશ્ર્વિને મળીને ૬ બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી. મિશેલ માર્શ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. જસપ્રીત બુમરાહે તેને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરે બીજી વિકેટ માટે ૬૯ રનની ભાગીદારી કરી હતી.
વોર્નર ૫૨ બોલમાં ૪૧ રન કરીને આઉટ થયો હતો. આ પછી માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથ વચ્ચે ૩૬ રનની ભાગીદારી થઈ હતી. સ્મિથે ૭૧ બોલમાં ૪૬ રન કર્યા હતા. લાબુશેન ૨૭ રન કરી પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ગ્લેન મેક્સવેલ ૧૫, એલેક્સ કેરી ૦૦, કેમરૂન ગ્રીન ૦૮ અને કેપ્ટન પેટ કમિન્સ માત્ર ૧૫ રન કરી શક્યા હતા. અંતમાં મિશેલ સ્ટાર્કે ૨૮ રન કરી શક્યો હતો.
ભારતીય ટીમ તરફથી રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહને બે-બે વિકેટ મળી હતી, જ્યારે રવિચંદ્રન અશ્ર્વિન અને મોહમ્મદ સિરાજે ૧-૧ વિકેટ ઝડપી હતી.