નેશનલ

World Cancer Day 2026: રસોડામાં રહેલાં પાંચ મસાલા છે કેન્સર સામે લડવાનું હથિયાર…

કેન્સર પ્રત્યે જાગૃતિ હવે માત્ર હોસ્પિટલો પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ તે આપણી રોજિંદી આદતો, ખાનપાન અને જીવનશૈલીનો ભાગ બની ગઈ છે. વર્લ્ડ કેન્સર ડે (World Cancer Day)ની ઉજવણી કરવાનો હેતુ કેન્સર જેવી જીવલેણ બીમારી અંગે લોકોમાં જાગરૂકતા લાવવાનો છે. પરંતુ શું તમને ખબર છે કે આપણા ભારતીય રસોડામાં રહેલાં પાંચ મસાલા આ કેન્સર જેવી બીમારી સામેની લડતમાં તમારી મદદ કરી શકે છે? ચાલો આજે તમને આ મસાલા વિશે જણાવીએ…

દર વર્ષે ચોથી ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેન્સર ડે (World Cancer Day)મનાવવામાં આવે છે. વર્લ્ડ કેન્સર ડે ઓર્ગેનાઈઝેશન અનુસાર, વર્ષ 2025-2027 માટેની થીમ યુનાઈટેડ બાય યુનિક રાખવામાં આવી છે. આ થીમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક વ્યક્તિની કેન્સર સામેની લડત અલગ હોય છે, પરંતુ આ બીમારી સામે આખી દુનિયા એકજૂટ થઈને લડત આપી રહી છે એ વાત પણ એટલી મોટી હકીકત છે.

કેન્સર સામેના રક્ષણમાં ભારતીય રસોડાના કેટલાક મસાલા અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારતીય રસોડામાં જોવા મળતાં આ પાંચ દેશી મસાલા તેના એન્ટી-કેન્સર ગુણો માટે જાણીતા છે. આજે આપણે વાત કરીશું કે કઈ રીતે તમે મસાલાના ઉપયોગ કરીને કેન્સર જેવી જીવલેણ બીમારી સામે રક્ષણ મેળવી શકો છો. જોકે આ તમામ મસાલાઓ કેન્સર સામેની લડતમાં મદદ કરે છે, તે કેન્સરનો ઈલાજ તો નથી જ એટલે તબીબોની સલાહ હજી પણ નંબર વન પોઝિશન પર જ છે.

હળદરઃ
ભારતીય રસોડામાં રહેલી હળદર એ એક ઉત્તમ એન્ટિબાયોટિક છે. હળદરમાં રહેલું ‘કરક્યુમિન’ (Curcumin) એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોનો ભંડાર છે. કેન્સર રિસર્ચ યુકે (Cancer Research UK) મુજબ, તે શરીરમાં સોજો ઘટાડે છે અને અસામાન્ય કોષોના વિકાસને ધીમો કરી શકે છે. આપણે હળદરનો ઉપયોગ શાક, દાળ, સૂપ અથવા નવશેકા દૂધમાં કરવામાં આવે છે.

લાલ મરચુંઃ
લાલ મરચાંમાં ‘કેપ્સેસિન’ (Capsaicin) નામનું તત્વ હોય છે જે ફ્રી-રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH)ના અભ્યાસો મુજબ, તે હાનિકારક કોષોને જાતે જ નષ્ટ થવા માટે પ્રેરિત કરી શકે છે. લાલ મરચું તો આપણે ત્યાં દાળ-શાકમાં કે પછી ચટણીમાં વપરાય છે એટલે તેનું સેવન કેન્સર સામેની લડતમાં મદદ કરે છે.

અદરકઃ
આદુ કે અદરક તરીકે ઓળખાતો આ મસાલો ભારતીય રસોડામાં વિવિધ સ્વરૂપે દરરોજ ઉપયોગમાં લેવામાં આવે છે. આદુમાં ‘જિંજરોલ’ અને ‘શોગાઓલ’ જેવા એન્ટીઓક્સીડેન્ટ તત્વો હોય છે. જે અસામાન્ય કોષોના ફેલાવાને મર્યાદિત કરવામાં મદદરૂપ છે અને પાચનશક્તિ તેમજ ઈમ્યુનિટી બુસ્ટ છે. અદરકને ચામાં નાખીને કે પછી શાક અને સૂપમાં તેની પેસ્ટ નાખીને ઉપયોગમાં લઈ શકો છે.

તજ
ભારતીય રસોડામાં જોવા મળતું તજ પણ કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડવામાં મદદ કરે છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર તજમાં પોલિફેનોલ્સ અને સિનામાલ્ડીહાઈડ જેવા તત્વો જોવા મળે છે, જે કોષોને નુકસાન થતા અટકાવે છે અને તે અસામાન્ય વૃદ્ધિને ધીમી કરી શકે છે. તજનું સેવન તમે ચામાં કે નવશેકા પાણીમાં પાવડર તરીકે પણ કરી શકો છો.

લસણઃ
લસણમાં રહેલું ‘એલિસિન’ (Allicin) રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે પેટ અને પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે અને ડીએનએ (DNA) રિપેર પ્રક્રિયામાં સહાયરૂપ છે. વાત કરીએ લસણનું સેવન કેવી રીતે કરવું એની તો તમે કાચું લસણ કે પછી તેને સાંતળીને કે રોજબરોજના શાક-દાળના વઘારમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button