ભારતનું આ શહેર વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર! 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી આટલા તો ભારતના જ

નવી દિલ્હી: દર વર્ષે શીયાળા દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં હવાનું પ્રદુષણ વધતા એર ક્વોલીટીનો મુદ્દો ચર્ચામાં આવે છે, ત્યાર બાદ AQI અંગે ખુબ ઓછી ચર્ચા થાય છે. પરંતુ હકીકતે દેશભરમાં હવાનું પ્રદુષણ ગંભીર સ્તરે (Air Quality in India) છે. તાજેતરના અહેવાલ મુજબ મંગળવારે વિશ્વના ટોચના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 શહેરો ભારતના છે. આ ઉપરાંત વિશ્વનું પ્રદૂષિત શહેર પણ ભારતમાં જ છે.
સ્વિસ એર ક્વોલિટી ટેકનોલોજી કંપની IQAir દ્વારા પ્રકાશિત અહેવાલ ‘વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024’ (World Air quality report) મુજબ આસામ-મેઘાલય બોર્ડર પર આવેલું બાયર્નહાટ (Byrnihat, Assam) વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર રહ્યું. જ્યારે, દિલ્હી વૈશ્વનું સૌથી પ્રદૂષિત કેપિટલ સીટી રહ્યું. હવાના પ્રદુષણ મામલે ભારત 2024માં પાંચમા ક્રમે રહ્યું, જ્યારે વર્ષ 2023માં ભારત ત્રીજા ક્રમે રહ્યું હતું.
ભારતના આ શહેરો સૌથી પ્રદુષિત:
વિશ્વના ટોચના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં આસામના બાયર્નિહાટ, દિલ્હી, પંજાબના મુલ્લાનપુર, ફરીદાબાદ, લોની, નવી દિલ્હી, ગુરુગ્રામ, ગંગાનગર, ગ્રેટર નોઇડા, ભીવાડી, મુઝફ્ફરનગર, હનુમાનગઢ અને નોઇડાનો સમાવેશ થાય છે.
આ દેશો સૌથી પ્રદુષિત:
હવાના પ્રદુષણ મામલે ભારત ચાડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો પછી વૈશ્વિક સ્તરે પાંચમા ક્રમે છે. અહેવાલ મુજબ 2024 માં ચાડ અને બાંગ્લાદેશ વિશ્વના સૌથી પ્રદૂષિત દેશો રહ્યા, જ્યાં સરેરાશ PM2.5 સ્તર WHO ની ગાઈડલાઈન્સ કરતાં 15 ગણાથી વધુ હતું.
ફક્ત સાત દેશોએ WHOના એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ જાળવી રાખ્યા હતા, જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, બહામાસ, બાર્બાડોસ, ગ્રેનાડા, એસ્ટોનિયા અને આઇસલેન્ડનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…સોનાની દાણચોરીથી સરકારી તિજોરીને કેવી રીતે થાય છે નુકસાન, જાણો આ ગણિત
ભારતના પ્રદુષણ:
રીપોર્ટ મુજબ, ભારતમાં 2024માં PM2.5 ની કોન્સન્ટ્રેશનમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સુધારો થયો હોવા છતાં હજુ પણ વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 6 હજુ પણ ભારતના છે.
દિલ્હીમાં હવાના પ્રદૂષણનું સ્તર સતત ઊંચું રહ્યું છે, જેમાં 2024માં વાર્ષિક એવરેજ PM2.5 કોન્સન્ટ્રેશન 91.6 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર હતું, જે 2023 માં 92.7 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર હતું. એકંદરે, 35 ટકા ભારતીય શહેરોમાં વાર્ષિક PM2.5 સ્તર WHO ની 5 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટરની લિમીટ કરતાં 10 ગણું વધુ રહ્યું હતું.
નાગરીકોના સ્વાસ્થ્યને ગંભીર અસર:
ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે નાગરીકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઇ રહી છે, એક અંદાજ મુજબ વાયુ પ્રદુષણને કારણે ભારતમાં આયુષ્ય 5.2 વર્ષ સુધી ઘટી શકે છે. ગયા વર્ષે પ્રકાશિત થયેલા અન્ય એક અહેવાલ મુજબ, 2009 થી 2019 દરમિયાન ભારતમાં દર વર્ષે લગભગ 15 લાખ મૃત્યુ લાંબા ગાળા સુધી PM2.5 પ્રદૂષણ વાળી હવામાં રહેવાથી થયા હતાં.