4,505 ફૂટની ઊંચાઈ પર કામ કરીને ચૂંટણી પંચને મળી ચોતરફથી મળી વાહ વાહ, જાણો શું છે મામલો?

મુંબઈ: ભારતની લોકશાહી આખી દુનિયામાં વખણાય છે અને દેશના સૌથી છેલ્લે ખૂણે રહેતો શખસ પણ મતદાનની ફરજ નિભાવી શકે એ માટેની વ્યવસ્થા ભારત સરકાર અને ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવતી હોય છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી પંચે સમુદ્રથી 4,505 ફૂટની ઊંચાઇએ મતદાન કેન્દ્ર ઊભું કર્યું હતું, જેથી તે વિસ્તારમાં રહેતા નાગરિકો મતદાન કરી શકે.
બારામતી લેકસભા ક્ષેત્રમાં આવેલા સૌથી ઊંચા મત વિસ્તાર રાયરેશ્ર્વરમાં રહેતા ફક્ત 120 નાગરિકો માટે ચૂંટણીપંચે મતદાન કેન્દ્ર ઊભું કર્યું હતું અને સાતમી મેના રોજ યોજવામાં આવેલા ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન અહીંના નાગરિકોએ ખૂબ જ સરળતાથી મતદાનની ફરજ બજાવી હતી. જણાવી દઇએ કે રાયરેશ્વર ફોર્ટ(કિલ્લો)એ આ વિસ્તારમાં આવેલું સૌથી ઊંચો મતવિસ્તાર છે અને અહીં ઊભું કરાયેલું મતદાન કેન્દ્ર વિસ્તારનું સૌથી ઊંચે આવેલું મતદાન કેન્દ્ર છે.
ગ્રામીણ પુણે વિસ્તારમાં આવતા ભોર તાલુકાથી 30 કિલોમીટર દૂર ઊપરની તરફ ગાડી મારફત ગયા બાદ બાદ અઢાર કિલોમીટર દૂર રાયરેશ્ર્વરનો બેઝ આવે છે. ત્યાંથી લોખંડની સીડી મારફત એક કલાકની સફર કાપ્યા બાદ અહીંના મતદાન કેન્દ્ર સુધી પહોંચી શકાય છે.
જોકે, આટલા કપરા ચઢાણ છતાં અહીંના લોકોએ હોંશે હોંશે પોતાના મતદાનની ફરજ નિભાવી હતી. લોકોએ અહીંના નાગરિકોની મતદાન પ્રત્યેની જાગરૂકતાના વખાણ કર્યા હતા અને સાથે સાથે ચૂંટણીપંચે કરેલી વ્યવસ્થાની પણ વાહ વાહ કરી હતી.