નેશનલ

મહિલા અનામત ખરડો રાજ્યસભામાં પસાર

નવી દિલ્હી: લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓને એક તૃતિયાંશ અનામત આપતો ખરડો ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ રાજ્યસભામાં પસાર કરાયો હતો.

ગુરુવારે ૧૧ કલાકની ચર્ચા પછી રાજ્યસભામાં મતદાન હાથ ધરાયું હતું. અને ૨૧૫ વિ. શૂન્યથી ખરડો પસાર થયો હતો. કોઈપણ ગેરહાજર ન હતું.

આ અગાઉ લોકસભામાં બુધવારે ૪૫૪ વિરુદ્ધ બેથી આ ખરડો પસાર કરાયો હતો. ૧૨૮માં બંધારણીય સુધારા ખરડાને મેઘવાલે મહિલાઓના સશક્તિકરણ માટે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા છેલ્લાં નવ કરતાં પણ વધુ વર્ષમાં લેવાયેલું વધુ એક પગલું લેખાવ્યું હતું.

મહિલાઓના નામે જનધન ખાતુ ખોલાવવા, લાખ્ખો શૌચાલયનું નિર્માણ કરવા, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓને ઘરની માલિક કે સહમાલિક બનાવવા, રાંધણગૅસનું જોડાણ મફત આપવા જેવાં સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંઓએ મહિલાઓનાં ગૌરવ અને ગરિમા વધાર્યા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં ૬૮ ટકા લાભાર્થી મહિલાઓ છે.

લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત અનુસૂચિતજાતિ અને અનુસૂચિત જનજાતિને પણ લાગુ પડશે.

મહિલા અનામત ખરડાને મંજૂર કરાવવાનો વર્ષ ૧૯૯૬થી અત્યારમાં કરાયેલો આ સાતમો પ્રયાસ છે.

વર્તમાનમાં દેશના કુલ નોંધાયેલા ૯૫ કરોડ મતદારોમાં મહિલાઓનું પ્રમાણ લગભગ પચાસ ટકા જેટલું છે, પરંતુ લોકસભામાં અને વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ અનુક્રમે માત્ર ૧૫ અને ૧૦ ટકા જેટલું જ છે.

મહિલાઓ માટે ૩૩ ટકા અનામત લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં લાગુ પડશે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button