નેશનલ

સંસદમાં મહિલા અનામત બિલ લાવવાની આખરે જરૂર કેમ પડી? ભારત સિવાયના અન્ય દેશોમાં શું છે સ્થિતિ?

આપણા દેશમાં મહિલાઓની વસ્તી 48 ટકાથી પણ વધુ છે. પરંતુ દેશના રાજકારણની જો વાત કરીએ તો સંસદ અને વિધાનસભામાં મહિલાઓની હાજરી માત્ર નામ પૂરતી જ છે. મહિલાઓનું નેતૃત્વ વધારવા માટે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. આ બિલ 27 વર્ષથી સંસદમાં અટવાયું હતું, અને હજુ પણ તે એક ખરડાના સ્વરૂપમાં છે, ખરડો કાયદો નથી બન્યો. આ બિલ કાયદો બની પણ જાય તે પછી પણ તેને લાગુ થવામાં ઘણો સમય લાગી શકે છે. પરંતુ સવાલ એ ઉઠે છે કે આખરે આ બિલ લાવવાની જરૂર શા માટે પડી?

  1. સંસદમાં મહિલાઓની ઉપસ્થિતિ ખૂબ જ ઓછી
    લોકસભામાં હાલમાં 82 મહિલા સાંસદો અને રાજ્યસભામાં ફક્ત 31 મહિલા સાંસદો છે. એટલે કે બંને ગૃહ મળીને મહિલાઓની હાજરી માંડ 15 ટકા છે. 1951-52માં જ્યારે પહેલી લોકસભા ચૂંટણી યોજાઇ હતી ત્યારે ફક્ત 6.9 ટકા મહિલાઓ જ સાંસદ બની હતી. ચૂંટણી આયોગના રિપોર્ટ મુજબ 2019માં 726 મહિલાઓએ લોકસભા ચૂંટણી લડી હતી ત્યારે તેમાંથી ફક્ત 78 જ જીતી હતી.

  2. કારણકે વિધાનસભામાં પણ આ જ મહિલાઓની આ જ સ્થિતિ
    વિધાસભામાં પણ મહિલાઓની ભાગીદારી ખૂબ જ ઓછી રહી છે. 19 વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 10 ટકાથી પણ ઓછી છે. અલગ અલગ રાજ્યોની વિધાનસભાની વાત કરીએ તો બિહારમાં 10.70 ટકા, છત્તીસગઢમાં 14.44 ટકા, હરિયાણામાં 10 ટકા, ઝારખંડમાં 12.35 ટકા, પંજાબમાં 11.11 ટકા, રાજસ્થાનમાં 12 ટકા, ઉત્તરાખંડમાં 11.43 ટકા, ઉત્તરપ્રદેશમાં 11.66 ટકા, પશ્ચિમ બંગાળમાં 13.70 ટકા અને દિલ્હીમાં 11.43 ટકા મહિલાઓની ઉપસ્થિતિ છે. જ્યારે ગુજરાત વિધાનસભામાં 8.2 ટકા મહિલા ધારાસભ્યો છે અને હિમાચલ પ્રદેશમાં ફક્ત 1 જ મહિલા ધારાસભ્ય છે. નાગાલેન્ડમાં આ વખતે થયેલી ચૂંટણીઓમાં પહેલીવાર 2 મહિલાઓ ચૂંટાઇ આવી છે

  3. કુલ 28 રાજ્યોમાંથી ફક્ત એક જ રાજ્યમાં મહિલા મુખ્યપ્રધાન

    દેશ આઝાદ થયો ત્યારથી લઇને અત્યાર સુધીમાં માત્ર 16 મહિલાઓ જ મુખ્યપ્રધાન બની ચુકી છે. આઝાદીની ચળવળમાં ભાગ લઇ ચુકેલા સ્વાતંત્ર્ય સેનાની સુચેતા કૃપલાની દેશના પહેલા મહિલા મુખ્યપ્રધાન હતા. તેઓ 1963થી 1967 સુધી ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન રહ્યા છે. દિલ્હીમાં શીલા દિક્ષીત, તમિલનાડુમાં જયલલિતા લાંબા સમય સુધી મહિલા મુખ્યપ્રધાન રહ્યા છે. વર્તમાન સ્થિતિમાં દેશના એકમાત્ર મહિલા મુખ્યપ્રધાન મમતા બેનરજી છે, જે 2011થી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન છે.

    તમિલનાડુમાં જો કે જયલલિતા પહેલા વીએન જાનકી મહિલા મુખ્યપ્રધાન રહ્યા હતા પરંતુ તેમનો કાર્યકાળ માત્ર 23 દિવસ સુધીનો રહ્યો હતો. તેમના પછી સુષ્મા સ્વરાજ 52 દિવસ દિલ્હીના મુખ્યપ્રધાન રહ્યા હતા.

    રાજકારણમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં ભારત તેના પાડોશીઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશથી પણ પાછળ છે. દુનિયાના તમામ સાંસદોમાં ફક્ત 25 ટકા જ મહિલાઓ છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીમાં મહિલાઓ માટે 60 ટકા બેઠકો અનામત છે. બાંગ્લાદેશની સંસદમાં 50 ટકા બેઠકો જ્યારે નેપાળની સંસદમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત છે. તાલિબાનના શાસન પહેલાના અફઘાનિસ્તાનની સંસદમાં મહિલાઓ માટે 27 ટકા બેઠકો અનામત હતી. યુએઇની નેશનલ ફેડરલ કાઉન્સીલમાં મહિલાઓ માટે 50 ટકા બેઠકો અનામત છે.

    આપણા દેશમાં છેલ્લે વસ્તી ગણતરી 2011માં થઇ હતી. જે મુજબ મહિલાઓની વસ્તી આપણા દેશમાં 48.5 ટકા છે. એટલે કે અંદાજે દેશની અડધી વસ્તી મહિલાઓની છે તેમ કહી શકાય. પરંતુ એવી જગ્યાઓ કે જ્યાં દેશને ચલાવવા માટેના કાયદા ઘડાય છે ત્યાં તેમનું પ્રતિનિધિત્વ ખૂબ જ ઓછું છે. જો મહિલા અનામત લાગુ થઇ જાય તો દેશના રાજકારણમાં ઘણું મોટું પરિવર્તન આવશે. લોકસભામાં 181 બેઠકો ફરજિયાતપણે મહિલાઓના ફાળે જશે. આ પ્રકારે વિધાનસભાઓમાં પણ જે-તે રાજ્યની બેઠકોની કુલ સંખ્યાની 33 ટકા બેઠકો મહિલાઓ હસ્તગત કરશે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button