બંગાળની યુવતી પર દિલ્હીમાં એક અઠવાડિયા સુધી બળાત્કાર કર્યો અને
નવી દિલ્હીઃ દિલ્હીનો નિર્ભયાકાંડ આપણે સહુ જાણીએ છીએ અને ફરી આવી જ એક ઘટના દિલ્હીમાં પશ્ચિમ બંગાળની એક યુવતી સાથે બની હતી. જેમાં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગની એક મહિલા પર તેના મિત્ર દ્વારા એક અઠવાડિયા સુધી કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો અને તેને માર મારવામાં આવ્યો તેમજ તેની પર ગરમ ગરમ દાળ રેડીને તેને ત્રાસ આપવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પારસ નામના આરોપી સામે બળાત્કાર, અકુદરતી સેક્સ અને જાણી જોઈને ઈજા પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે મહિલા લગભગ એક મહિનાથી દક્ષિણ દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં રાજુ પાર્કમાં ભાડાના મકાનમાં પારસ સાથે જ રહેતી હતી. 30 જાન્યુઆરીના રોજ પોલીસ સ્ટેશનમાં એક કોલ આવ્યો કે એક મહિલા પર તેના પતિ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો છે અને તેને ઢોર માર મારવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી મહિલાને બચાવી અને તેને એઈમ્સમાં લઈ ગઈ હતી. જ્યારે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેના શરીર પર 20 જેટલા ઈજાના નિશાન હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે પોલીસે આ કેસ વિશે પૂછપરછ કરી તો પીડિતાએ જણાવ્યું હતું કે તે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગની રહેવાસી છે અને ફોન પર આરોપીના સંપર્કમાં આવી હતી. અને તેની પારસ સાથે મિત્રતા હતી આથી તે છેલ્લા 3-4 મહિનાથી તેની સાથે જ રહેતી હતી. મહિલા દાર્જિલિંગથી જોબ માટે બેંગલુરુ જવા નીકળી હતી તે સમયે તેને પારસે પરાણે તેની સાથે રોકી લીધી અને કહ્યું કે તારા માટે આપણે અહી જ કોઈ નોકરી શોધી લઈશું. અને પારસ સાથે ભાડાના મકાનમાં રહેવા લાગી હતી.
જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ આરોપીએ કથિત રીતે તેને મારવાનું શરૂ કર્યું અને એક અઠવાડિયા સુધી તેણીનું જાતીય શોષણ પણ કર્યું, અને તેની પર ગરમ દાળ પણ રેડી હતી. જેના કારણે તે દાઝી ગઈ હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે 30 જાન્યુઆરીએ ભારતીય દંડ સંહિતાની કલમ 323 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી), 376 (બળાત્કાર) અને 377 (સોડોમી) હેઠળ એફઆઈઆર નોંધી અને 2 ફેબ્રુઆરીના રોજ આરોપીની ધરપકડ કરી હતી. પારસ ઉત્તરાખંડનો રહેવાસી છે અને અહીંની એક રેસ્ટોરન્ટમાં રસોઈયા તરીકે કામ કરે છે. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.