ભાજપના સાંસદ રવિ કિશનની પત્ની હોવાનો મહિલાએ કર્યો દાવો, કહ્યું ‘ન્યાય નહીં મળે તો…’
જાણીતા ભોજપુરી કલાકાર અને ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશન એક મોટા વિવાદમાં ફસાતા જોવા મળી રહ્યા છે. એક મહિલાએ રવિ કિશનની પત્ની હોવાનો દાવો કર્યો છે. ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં અચાનક મીડિયા સમક્ષ હાજર થયેલી મહિલાએ તેની પુત્રીને રવિ કિશનની પુત્રી ગણાવી અને તેને સામાજિક રીતે સ્વીકારવાની માંગ કરી હતી. મહિલાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા અને તેમની પાસે ન્યાયની માંગણી કરી છે. મહિલાએ કહ્યું કે જો તેને ન્યાય નહીં મળે તો તે કોર્ટમાં જશે.
અપર્ણા ઠાકુર નામની મહિલાએ સોમવારે લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઠાકુર દાવો કર્યો કે તે રવિ કિશનની પત્ની છે. તેણે 1996માં પરિવાર અને મિત્રોની સામે રવિ કિશન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન મુંબઈમાં જ થયા હતા. તેમને એક પુત્રી પણ છે. મહિલાએ રવિ કિશનને તેની પુત્રીને સામાજિક રીતે સ્વીકારવાની માંગ કરી હતી.
મહિલાએ જણાવ્યું કે તે મુંબઈમાં પત્રકારત્વ કરતી તે વખતે 1995માં રવિ કિશનને મળી હતી. બીજા જ વર્ષે બંનેએ લગ્ન કરી લીધા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અપર્ણા ઠાકુર રવિ કિશનની કથિત પુત્રીને પણ સાથે લઈને આવી હતી. અપર્ણાએ કહ્યું કે રવિ કિશન તેના સંપર્કમાં છે પરંતુ જાહેરમાં અને સામાજિક રીતે તે હવે તેને કે તેની પુત્રીને સ્વીકારતો નથી.
રવિ કિશનની કથિત પુત્રી શેનેવાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મને ક્યારેય મારા પિતાનો પ્રેમ મળ્યો નથી. તે ઘરે આવતા હતા. અમે તેમને મળતા હતા પણ તે જતા રહેતા હતા. તે લાંબા સમય સુધી ઘરે રહ્યા નથી. મારી તેમની સાથે ઘણી વાર વાત થી પણ તેમણે મને ક્યારેય મદદ કરી નહીં. ગત વખતે મને 10,000 રૂપિયાની જરૂર હતી ત્યારે મેં તેમની પાસે પૈસા માંગ્યા હતા પરંતુ તેમણે મને પૈસા આપ્યા ન હતા.
યુવતીએ કહ્યું કે તે ફિલ્મોમાં કામ કરવા માંગે છે, તેને નિર્દેશક સાથે વાત કરવાનું કહ્યું પરંતુ તેમણે વાત કરી નહીં. તેમણે કહ્યું કે તેમણે બોલિવૂડ એક્ટ્રેસ લારા દત્તા સાથે એક ફિલ્મ કરી છે જેમાં તેણે તેની દીકરીનો રોલ કર્યો છે. શેનેવાએ દાવો કર્યો હતો કે તેને આ ફિલ્મ રવિ કિશનની ભલામણ પર નહીં પરંતુ ઓડિશન આપીને મળી છે. તેણે કહ્યું કે મને મારા પિતા રવિ કિશન તરફથી કોઈ મદદ મળી નથી.