સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે ખડગેએ પૂર્વ સભાપતિ જગદીપ ધનખડનો ઉલ્લેખ કરી કહ્યું, મને આશા છે…

નવી દિલ્હીઃ આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે. આ સત્ર પણ હંગામાવાળુ રહેવાની શક્યતા છે. સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે વિપક્ષે પૂર્વ સભાપતિ જગદીપ ધનખડનો ઉલ્લેખ કર્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું કે દુઃખ છે કે ગૃહને તેમને વિદાય આપવાનો મોકો મળ્યો નથી.
સભાપતિ તરીકે પ્રથમ વખત સત્રનું સંચાલન કરી રહ્યા છે સીપી રાધાકૃષ્ણન
ખાસ વાત એ છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બાદ સીપી રાધાકૃષ્ણન સભાપતિ તરીકે પ્રથમ વખત સત્રનું સંચાલન કરી રહ્યા છે. ધનખડે જુલાઈમાં સ્વાસ્થ્યના કારણો જણાવીને રાજીનામું આપ્યું હતું.
ખડગેએ કહ્યું મને આશા છે કે…
ખડગેએ કહ્યું, મને આશા છે કે તમને એ વાતનું ખરાબ નહીં લાગે કે મારે તમારા પહેલાના રાજ્યસભાના ચેરમેનના અચાનક પદ છોડવાનો ઉલ્લેખ કરવો પડી રહ્યો છે. આખા ગૃહના સંચાલક હોવાના નાતે સભાપતિ જેટલા સરકારના હોય છે, તેટલા જ વિપક્ષના પણ હોય છે. મને આ વાતનું દુઃખ છે કે ગૃહને તેમને વિદાય આપવાનો મોકો મળ્યો નહીં. સમગ્ર વિપક્ષ વતી અમે તેમના સારા સ્વાસ્થ્યની કામના કરીએ છીએ.
સર્વપલ્લી રાધાકૃષ્ણનનો ઉલ્લેખ પણ કર્યો
તેમણે કહ્યું, અહીં સર્વપલ્લી રાધાકૃષ્ણનની વાતનો ઉલ્લેખ કરવો યોગ્ય રહેશે. 16 મે 1952ના રોજ તેમણે કહ્યું હતું કે હું કોઈ પક્ષનો નથી. હું આવું એટલે કહી રહ્યો છું, કારણ કે ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે તમે તેમના પક્ષના છો. તેમણે વધુમાં કહ્યું, જો લોકશાહી, વિપક્ષને સરકારની નીતિઓની યોગ્ય અને મુક્ત ટીકા કરવાની મંજૂરી ન આપે, તો લોકશાહીના અત્યાચારમાં બદલવાની શક્યતા હોય છે. આવું સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું.
આ પણ વાંચો…PMની ‘ટિપ્સ’ પર પ્રિયંકા ગાંધીનો પલટવાર: ‘મુદ્દા ઉઠાવવા નાટક નથી, બોલવા ન દેવું એ જ નાટક છે!’



