Top Newsનેશનલ

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ: ‘SIR’ના સળગતા મુદ્દે સત્ર હંગામેદાર, ગતિરોધના એંધાણ!

નવી દિલ્હી: આજથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઈ રહી છે. જો કે સંસદનું શિયાળુ સત્ર ભારે હંગામેદાર રહે તેવા સંકેતો મળી રહ્યા છે, કારણે કે મોટા ભાગના વિપક્ષી દળોએ ચૂંટણી પંચની SIRની કામગીરી પર વિશેષ ચર્ચા કરવાની માંગ કરી છે. સરકાર ગૃહની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચલાવવા માટે વિપક્ષી દળો સાથે વાતચીત જારી રાખશે.

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, અને પ્રથમ દિવસથી જ સંસદમાં હંગામો અને ગતિરોધ થવાની શક્યતાઓ છે. રવિવારે મળેલી સર્વપક્ષીય બેઠકમાં મોટાભાગના વિપક્ષી દળોએ એકસૂરે ખાસ સઘન પુનરીક્ષણ (Special Intensive Review – SIR) મુદ્દે તાત્કાલિક ચર્ચાની માંગ કરી છે. જોકે, સરકારે ગૃહની કાર્યવાહી સુચારુરૂપે ચલાવવાનો આગ્રહ રાખ્યો છે અને વિપક્ષ સાથે વાતચીત ચાલુ રાખવાની ખાતરી આપી છે.

બધાએ ‘ઠંડા દિમાગથી’ કામ કરવું

સંસદીય કાર્ય પ્રધાન કિરેન રિજિજુએ હળવા અંદાજમાં કહ્યું હતું કે આ શિયાળુ સત્ર છે, તેથી બધાએ ‘ઠંડા દિમાગથી’ કામ કરવું જોઈએ. વિપક્ષે ભારપૂર્વક કહ્યું છે કે જો સરકાર SIR પર ચર્ચા માટે તૈયાર નહીં થાય તો ગતિરોધ માટે સરકાર જવાબદાર રહેશે. આ બેઠકમાં કોંગ્રેસ, ટીએમસી, સપા સહિત ૩૬ રાજકીય પક્ષોના ૫૦ નેતાઓએ ભાગ લીધો હતો.

વિપક્ષ કયા મુદ્દા ઉઠાવશે?

વિપક્ષે SIR ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા, દિલ્હી વિસ્ફોટ, વાયુ પ્રદૂષણ, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સ્થિતિ અને વિદેશ નીતિ જેવા અનેક મુદ્દાઓ પર સત્ર દરમિયાન ચર્ચા કરાવવાની માંગ કરી છે. સરકારે આ સત્રમાં ૧૪ જેટલા મહત્ત્વના બિલ રજૂ કરવાની તૈયારી કરી છે. સર્વપક્ષીય બેઠક બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્ય મંત્રણા સમિતિ (BAC)ની બેઠકો પણ મળી હતી, જેમાં વિપક્ષે ચૂંટણી સુધારા જેવા વ્યાપક મુદ્દાઓ પર પણ ચર્ચાની માંગ કરી હતી.

લોકસભાએ ચર્ચાઓ માટે ૧૦ કલાક ફાળવ્યા

સરકાર તરફથી આશ્વાસન મળ્યું કે ટૂંક સમયમાં જ તેના પર પોતાનો અભિપ્રાય જણાવશે. જોકે, સરકારે વંદે માતરમ્ રચનાની ૧૫૦મી વર્ષગાંઠ પર ચર્ચા પર ભાર મૂક્યો હતો, જેને વિપક્ષના ઘણા પક્ષોએ સ્વીકાર્યો નહોતો. લોકસભાએ વિવિધ ચર્ચાઓ માટે ૧૦ કલાક ફાળવ્યા છે, અને સોમવાર માટે મણિપુર માલ અને સેવા કર (બીજો સુધારો) બિલ, ૨૦૨૫ સહિતના કેટલાક બિલ લિસ્ટ કર્યા છે. રાજ્યસભા BACની બેઠક કોઈ નિર્ણય વગર સમાપ્ત થઈ અને સોમવારે ફરી મળશે.

વિપક્ષની આકરી પ્રતિક્રિયા પર સંસદીય કાર્ય પ્રધાન કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી કે તમામ પક્ષો SIR મુદ્દે સંસદને અટકાવવા નથી માંગતા, અને તેમણે કહ્યું કે માત્ર કોઈ એક પક્ષના નિવેદનને સામૂહિક નિવેદન ન ગણવું જોઈએ. તેમણે વિપક્ષને સહયોગ કરવા અને ગૃહની કાર્યવાહી સારી રીતે ચલાવવા વિનંતી કરી. જોકે, વિપક્ષી નેતાઓએ સરકાર પર સંસદીય પરંપરા અને લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસના જયરામ રમેશે આ બેઠકને માત્ર એક ઔપચારિકતા ગણાવી, જ્યારે ગૌરવ ગોગોઈએ કહ્યું કે દિલ્હી વિસ્ફોટ ગૃહ મંત્રાલયની નિષ્ફળતા છે અને સરકારે સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. સપાના રામગોપાલ યાદવ અને કોંગ્રેસના પ્રમોદ તિવારીએ ચેતવણી આપી કે જો SIR પર ચર્ચા નહીં થાય, તો ગૃહમાં નિશ્ચિતપણે ગતિરોધ થશે. આ બધા વચ્ચે, સત્ર શરૂ થાય તે પહેલાં, તમામ વિપક્ષી દળો સોમવારે સવારે આગળની રણનીતિ નક્કી કરવા માટે ફરી એકવાર બેઠક કરશે.

આ પણ વાંચો…સંસદનું શિયાળુ સત્ર તોફાની થવાના આસાર, SIRઅને દિલ્હી બ્લાસ્ટ સહિતના મુદ્દે વિપક્ષ આક્રમક

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button