નેશનલ

ક્રૂડ ઑઈલ, ડીઝલની નિકાસ પરનો વિન્ડફૉલ ટૅક્સ ઘટાડાયો

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં થયેલા ઘટાડાને પગલે સરકારે દેશમાં ઉત્પાદન કરવામાં આવતા ક્રૂડ ઑઈલ અને ડીઝલની નિકાસ પરનો વિન્ડફૉલ ટૅક્સ ગુરુવારે ઘટાડ્યો હતો.

સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં આવતા ક્રૂડ તેલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી (એસએઈડી) સ્વરૂપે લાદવામાં આવેલો ટૅક્સ અગાઉના પ્રતિટન રૂ. ૯,૮૦૦થી ઘટાડીને રૂ. ૫,૩૦૦ પ્રતિટન તેમ જ ડીઝલ પરનો ટૅક્સ પ્રતિલિટર અગાઉના બે રૂપિયાથી ઘટાડીને એક રૂપિયો કરવામાં આવ્યો હોવાનું સત્તાવાર બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું. ઍર ટર્બાઈન ફ્યૂલ (એટીએફ) અને પેટ્રોલની નિકાસ પરનો ટૅક્સ શૂન્ય રહેશે. આ નવા દર ગુરુવારથી અમલી બન્યા છે.

પહેલી નવેમ્બરથી અમલી બને તે રીતે છેલ્લે કરવામાં આવેલી સમીક્ષામાં ક્રૂડતેલ પરનો ટૅક્સ અગાઉના પ્રતિટન રૂ. ૯૦૫૦થી વધારીને પ્રતિટન રૂ. ૯,૮૦૦ કરવામાં આવ્યો હતો. એ જ પ્રમાણે ડીઝલની નિકાસ પરનો ટૅક્સ પચાસ ટકા ઘટાડીને પ્રતિલિટર બે રૂપિયા કરવામાં આવ્યો હતો.

જોકે, ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડતેલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે આ ઘટાડો કરવાનું જરૂરી બની ગયું હતું. ગયા વરસની પહેલી જુલાઈએ ભારતે પ્રથમવાર વિન્ડફૉલ પ્રોફિટ ટૅક્સ લાગુ કર્યો હતો. એ સમયે પેટ્રોલ અને એટીએફની નિકાસ પર પ્રતિલિટર અનુક્રમે છ રૂપિયા અને ડીઝલની નિકાસ પર પ્રતિલિટર ૧૩ રૂપિયા કરવેરો લાદવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના અગાઉના બે અઠવાડિયાના સરેરાશ ભાવને આધારે દર પખવાડિયે ક્રૂડતેલના ભાવની સમીક્ષા કરવામાં આવે છે.

ઓએનજીસી જેવી ક્રૂડતેલનું ઉત્પાદન કરતી કંપનીઓ પર પ્રતિટન રૂ. ૨૩,૨૫૦નો વિન્ડફૉલ ટૅક્સ લાગુ કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલનો ભાવ પ્રતિબેરલ ૭૫ બેરલથી વધે તેવા સંજોગોમાં સ્થાનિક સ્તરે ક્રૂડતેલ પર વિન્ડફૉલ ટૅક્સ લાગુ કરવામાં આવે છે.

પેટ્રોલ, ડીઝલ અને એટીએફના ભાવમાં પ્રતિબેરલ ૨૦ ડૉલર કરતા વધુનો વધારો થાય તેવા સંજોગોમાં આ ત્રણેની નિકાસ પર વિન્ડફૉલ ટૅક્સ લાગુ કરવામાં આવે છે.

પ્રથમ સમીક્ષા દરમિયાન જ પેટ્રોલની નિકાસ પરનો ટૅક્સ રદ કરવામાં આવ્યો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button