વડા પ્રધાન માટે તમારા નામ પર સહમતી થાય તો તમે જવાબદારી લેશો? જવાબમાં આવું કંઇક કહ્યું ઉદ્ધવ ઠાકરેએ
નવી દિલ્હી: દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક થઇ રહી છે. આ બેઠકમાં હાજરી આપવા માટે શિવસેના ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સોમવારે દિલ્હી પહોંચ્યા હતાં. આજે એટલે કે મંગળવાર 19મી ડિસેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં પ્રસાર માધ્યમો સાથે વાત કરી હતી. વડા પ્રધાન પદ માટે તમારા નામ પર સહમતી થાય તો શું તમે આ જવાબદારી સ્વિકારશો એવો પ્રશ્ન ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવ્યો હતો. ઉપરાંત ઇન્ડિયા ગઠબંધનને લઇને અનેક પ્રશ્નોના જવાબ ઉદ્ધવ ઠાકરેએ આપ્યા હતાં.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, ઓગષ્ટ પછી ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઇ નથી. કારણ કે ત્રણ ચાર રાજ્યોની ચૂંટણીમા કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના પક્ષ સામેલ હતાં. અને હવે આ બેઠક યોજાઇ રહી છે. ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામ અંગે આ બેઠકમાં ચર્ચા થવી જોઇએ.
ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ વડા પ્રધાનના ચહેરા તરીકે તમારા નામ પર સહમતી દર્શાવે તો શું તમે એ જવાબદારી લેશો? આ પ્રશ્નના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, હું આ પદ પર દાવો નથી કરતો પણ હું મારા વિચારો બેઠકમાં રજૂ કરીશ. મેં મુખ્ય પ્રધાનનું પદ જવાબદારી તરીકે સ્વિકાર્યુ હતું. અને ત્યાર બાદ એક ક્ષણમાં છોડી પણ દીધું. હું કોઇ પણ સપના નથી જોઇ રહ્યો. દેશ અને મહારાષ્ટ્રની જનતા અમારી તરફ જોઇ રહી છે. ત્યારે હું વડા પ્રધાન પદના સપના જોઉં તેનો શું અર્થ છે? આખરે આ નિર્ણય જનતાએ લેવાનો છે.
ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું કે, અમારામાંથી કોઇના પણ મગજમાં નેતૃત્વની હવા ભરાઇ નથી. અમારે દેશ બચાવવાનો છે. સાંસદોનું સસ્પેન્શન અને મહારાષ્ટ્ર વિધાનસભાનું ચિત્ર જોતાં લાગી રહ્યું છે કે દેશની લોકશાહી અંતિમ શ્વાસ લઇ રહી છે કે શું? દેશની લોકશાહી જીવશે તો દેશ જીવશે. અને એને જીવંત રાખવા ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વમાં અમે ભેગા થયા છીએ.