સરકારની આ પહેલ ખાંડ ઉત્પાદનમાં વધારો કરશે? જાણો વિગતવાર

નવી દિલ્હી: કૉઑપરેટિવ ખાંડ મિલોને તેમના શેરડી આધારિત ઈથેનોલ પ્લાન્ટને મલ્ટિ-ફીડ સ્ટોક (બહુ-પશુઆહાર) સુવિધાઓમાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ થવા માટે એક યોજના ઘડી છે. જેનાથી ડેમેજ થયેલા અનાજ અને મકાઈનો ઉપયોગ કરીને આખું વર્ષ એકમ કાર્યરત રાખીને ઈથેનોલનું ઉત્પાદન વધારી શકશે, એમ કેન્દ્રીય અનાજ મંત્રાલયે ગત શુક્રવારે જણાવ્યું હતું.
આ સુવિધાની જાહેરાત મોડિફાઈડ ઈથેનોલ ઈન્ટરેસ્ટ સબ્વેન્શનલ સ્કીમ હેઠળ કરવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત એક વર્ષનાં મોરેટોરિયમ સમયગાળા સહિત પાંચ વર્ષ માટે વર્ષે વ્યાજ સબસિડી છ ટકા અથવા તો બૅન્કનાં વ્યાજદરના 50 ટકા સબસિડી પૈકી જે ઓછી હોય તે આપવામાં આવે છે, આ રૂપાંતરણ સાથે કૉઑપરેટિવ ખાંડ મિલો શેરડીની પિલાણ મોસમના ચારથી પાંચ મહિના બાદ પણ કાર્યરત રહેશે, એમ અનાજ મંત્રાલયે એક યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે આ સ્કીમ પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં ઈથેનોલની 20 ટકા ભેળવણીના પ્રોગ્રામનો લક્ષ્યાંક હાંસલ કરવાનો છે.
વધુમાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ સ્કીમને કારણે કૉઑપરેટિવ ખાંડ મિલોની બિન અસરકારકતા દૂર થવાની સાથે જ્યારે પિલાણ માટે શેરડી ઉપલબ્ધ નહીં હોય ત્યારે તેઓ ફીડસ્ટોકનું પ્રોસેસ કરશે અને ઈથેનોલનું ઉત્પાદન થતાં મિલોની નાણાકીય સ્થિરતામાં પણ વધારો થશે.
આ પણ વાંચો…ગુજરાતના તથ્ય પટેલ જેવો કેસ બિહારમાંઃ જાનમાં નાચતાગાતા 9 ને કચડી નાખ્યા…
સામાન્યપણે વર્ષ દરમિયાન શેરડીની પિલાણ મોસમ ચારથી પાંચ મહિના જેટલી જ હોવાથી ખાંડ મિલો માત્ર થોડા સમયગાળા માટે જ કાર્યરત રહેતી હોય છે. આથી એકંદરે મિલોની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા ઓછી રહેતી હોય છે.
આમ નવી સુધારિત સ્કીમ હેઠળ કૉઑપરેટિવ ખાંડ મિલો તેના હાલના ઈથેનોલના એકમો મલ્ટિ-ફીડ સ્ટોક આધારિત એકમોમાં રૂપાંતરિત કરવામાં આવે તો તેઓ મકાઈ અને બગડેલા ખાદ્યાન્નમાંથી ઈથેનોલનું ઉત્પાદન કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સરકારે દેશમાં ફોસિલ ફ્યુઅલની આયાત ઘટે અને એનર્જીમાં આત્મનિર્ભરતામાં વધારો થાય તે માટે ગત જુલાઈ, 2018થી વિવિધ ઈથેનોલ ઈન્ટરેસ્ટ સબ્વેન્શન સ્કીમો અમલી બનાવી છે.