સંસદના શિયાળુ સત્રમાં સસ્પેન્ડ કરાયેલા ત્રણ સાંસદનું સસ્પેન્શન રદ કરાશે?
નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્યસભાના શિયાળુ સત્ર દરમિયાન થયેલા કોંગ્રેસની આગેવાની હેઠળની વિપક્ષી પાર્ટીના સાંસદોના હંગમાંને કારણે 146 સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ સંસદ સભ્યનું સસ્પેન્શન વિશેષાધિકાર સમિતિ દ્વારા પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ મામલે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને રિપોર્ટ પણ આપવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. સસ્પેન્ડ કરવામાં આવેલા સંસદસભ્યોએ પાર્લામેન્ટમાં કરેલા વર્તન બદલ માફી માંગી હતી અને આવું ફરી નહીં કરે એવો વિશ્વાસ પણ આપ્યો હતો.
શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને વિધાનસભા ભવનમાં વિરોધ કરી ધાંધલ-ધમાલ કરવા બદલ 146 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોમાંથી 132 સભ્યોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે લોકસભાના ત્રણ અને રાજ્ય સભાના 11 સંસદ સભ્યોને વિશેષાધિકાર સમિતિની રિપોર્ટ આવ્યા સુધી સસ્પેન્ડ કરાયા હતા.
આ મામલે હવે વિશેષાધિકાર સમિતિએ રિપોર્ટ લોકસભા સ્પીકરને આપી દીધો છે, જેથી લોકસભાના ત્રણ સભ્યનું સસ્પેન્શન પાછું ખેંચવા માટે અરજી કરવામાં આવી છે. વિશેષાધિકાર સમિતિની બેઠક થયા બાદ રાજ્યસભામાં 11 સંસદ સભ્યના સસ્પેન્ડ મામલે તપાસ કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પાર્લામેન્ટ બિલ્ડિંગમાં વિરોધ પ્રદર્શન અને સાઇન બોર્ડ બતાવવા બદલ 146 સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દેશના બંને સંસદભવનમાં વિરોધી પક્ષના નેતાઓએ 13 ડિસેમ્બરના સંસદ ભવનની સુરક્ષામાં થયેલી ચૂકને કારણે ગૃહ પ્રધાન અમિત શાહ પાસેથી જવાબ માગવા મુદ્દે વિપક્ષી પાર્ટીના સાંસદોએ ધમાલ કરીને સંસદની કાર્યવાહી ખોરવી નાખી હતી.