તેજસ્વી યાદવને બિહાર સીએમનો ચહેરો બનાવવા મામલે રાહુલ ગાંધીએ શું કહ્યું? | મુંબઈ સમાચાર
નેશનલ

તેજસ્વી યાદવને બિહાર સીએમનો ચહેરો બનાવવા મામલે રાહુલ ગાંધીએ શું કહ્યું?

પટનાઃ બિહારની ચૂંટણીના પરિણામો જે આવે તે પણ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શરૂ કરેલી વૉટ ચોરી વિરુદ્ધની રેલી અને કૉંગ્રેસ તેમ જ આરજેડીની દોસ્તી સૌને નજરે ચડી છે. આજે અરરિયા વિસ્તારમાં રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ હતી. આ કોન્ફરન્સમાં પણ રાહુલ ગાંધીએ ચૂંટણી આયોગ પર ગંભીર આક્ષેપો કર્યા.

રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચનું કામ સાચી મતદાર યાદી આપવાનું છે, પરંતુ તેમણે મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકમાં આવું કર્યું નથી. તેમણે કહ્યું કે બિહારની ચૂંટણીમાં વૉટ ચોરી ન થાય તે માટે અમે કામ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી બિહાર યાત્રા પર છે અને સતત લોકોને મળી રહ્યા છે. તેમની યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે કૉંગ્રેસ-આરજેડીએ બિહારમાં મુખ્ય પ્રધાનનો ચહેરો જાહેર કર્યો નથી અને રાહુલે પણ આ મામલે જવાબ આપવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચો: એફઆઈઆરથી કોણ ડરે છે? ફરિયાદ નોંધાતા તેજસ્વી યાદવે આપ્યો જવાબ, જાણો શું છે મામલો…

સીએમ ફેસ માટે તેજસ્વી?

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારે રાહુલને પૂછ્યું કે તમે લોકો જે રીતે ફરો છો, તે અમે આઠ દિવસમાં જોયું. આ સમયે તમારી પાર્ટી (કોંગ્રેસ) અને આરજેડી વચ્ચે ખૂબ જ સારો તાલમેલ છે. આવું પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. કૉંગ્રેસ અને આરજેડીના સમર્થકો એકબીજાના ઝંડા અને બેનરો લઈને ચાલી રહ્યા છે. બંને પક્ષોના નેતાઓ તેજસ્વી યાદવ ઝિંદાબાદ અને રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે, પરંતુ બિહારમાં જો તમારી યુતિ સત્તામાં આવશે તો તમારો મુખ્ય પ્રધાનપદનો ચહેરો કોણ હશે, તેજસ્વી યાદવ હશે કે શું તે મામલે તમે કોઈ ફોડ પાડતા નથી.

આ પણ વાંચો: તેજસ્વી યાદવ પાસે 2 વોટર ID કાર્ડ વિવાદઃ ચૂંટણી પંચની નોટિસથી રાજકારણમાં ગરમાવો

શું કહ્યું રાહુલ ગાંધીએ?

રાહુલ ગાંધીએ આ સવાલનો ગોળ ગોળ જવાબ આપતા કહ્યં કે હા અમારી વચ્ચે સારો સમન્વય છે. અમે એકબીજાને મદદ કરીએ છીએ, એકબીજાનો આદર કરીએ છીએ. અમે વૈચારિક અને રાજકીય રીતે મિત્ર છીએ. આનું સારું પરિણામ આવી શકે છે, પરંતુ વૉટ ચોરીને રોકવી પડશે. આ બધું કહ્યું પણ રાહુલે મુખ્ય પ્રધાનના ચહેરા મામલે કંઈ કહ્યું નહીં.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button