
કોચિ: કેરળ હાઇકોર્ટે મુનંબમ વકફ જમીન વિવાદના એક કેસમાં સખ્ત ટિપ્પણીઓ કરતાં રાજ્ય વકફ બોર્ડ (Kerala Waqf Board) ને ભારે ઠપકો આપ્યો હતો. કોર્ટે ચેતવણી આપી હતી કે જો યોગ્ય પ્રક્રિયા વિના કોઈ પણ સંપત્તિને વકફ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવશે, તો ભવિષ્યમાં તાજમહેલ, લાલ કિલ્લો, વિધાનસભા ભવન અથવા તો ખુદ હાઈકોર્ટની ઇમારતને પણ વકફની સંપત્તિ જાહેર કરી શકાય છે. ચીફ જસ્ટિસ એસ.એ. ધર્માધિકારી અને જસ્ટિસ શ્યામ કુમાર વી.એમ.ની ખંડપીઠે ‘સ્ટેટ ઓફ કેરળ વિરુદ્ધ કેરળ વકફ સંરક્ષણ વેધી’ના કેસમાં આ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો.
નાગરિકોના મૂળભૂત અધિકારોનું જોખમ
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે ન્યાયતંત્ર આવા મનસ્વી વકફ ઘોષણાઓને જો કાયદેસરતા આપે તો તે બંધારણના અનુચ્છેદ 300A (સંપત્તિનો અધિકાર), 19 (વેપારની સ્વતંત્રતા) અને 21 (જીવન અને આજીવિકાનો અધિકાર) હેઠળ નાગરિકોના મૂળભૂત અધિકારો માટે ખતરો બની શકે છે. કોર્ટે કહ્યું કે વકફ જાહેર કરવાની પ્રક્રિયા નાગરિકોના મૂળભૂત અધિકારોને અસર કરે છે, તેથી કોર્ટ તેની તપાસ કરવા સક્ષમ છે.
શું છે મુનંબમ જમીન વિવાદ?
આ વિવાદ મુનંબમની 404.76 એકર જમીનનો છે, જે ૧૯૫૦માં સિદ્દીક સઈદ નામના વ્યક્તિએ ફારૂક કોલેજને દાનપત્ર દ્વારા આપી હતી. દરિયાઈ ધોવાણને કારણે આ જમીન હવે ઘટીને 135.11 એકર થઈ ગઈ છે. કોલેજ મેનેજમેન્ટે આ જમીન પર વસેલા રહેવાસીઓને પાછળથી વેચી દીધી હતી અને આ વેચાણ દસ્તાવેજોમાં ક્યાંય પણ જમીન વકફ હોવાનો ઉલ્લેખ નહોતો. જોકે, લગભગ ૬૯ વર્ષ બાદ ૨૦૧૯માં, કેરળ વકફ બોર્ડે અચાનક આ જમીનને વકફ સંપત્તિ જાહેર કરી દીધી અને અગાઉના તમામ વેચાણ સોદાઓને ગેરકાયદેસર ઠેરવ્યા હતા.
કોર્ટની સખ્ત ટિપ્પણી
ખંડપીઠે નોંધ્યું કે આ જમીન માત્ર એક ‘ગિફ્ટ ડીડ’ હતી, ‘વકફ ડીડ’ નહીં. વકફ બોર્ડે માત્ર એટલા માટે તેને વકફ જાહેર કરી દીધી કારણ કે દસ્તાવેજનું શીર્ષક “વકફ ઘોષણા” લખેલું હતું, જ્યારે તેમાં વકફ બનવાની આવશ્યક કાનૂની શરતો પૂરી થતી નહોતી. અદાલતે વકફ બોર્ડની આ કાર્યવાહીને “દુર્ભાવનાપૂર્ણ અને સ્વાર્થપૂર્ણ” ગણાવી. કોર્ટે કહ્યું કે આ પગલું જમીનના વ્યાવસાયિક મૂલ્યમાં વધારો થયા પછી ઉઠાવવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે, જેનો ઉદ્દેશ જમીન પર નિયંત્રણ મેળવવાનો છે.
 


