આવતીકાલે રામ લલ્લાને થનારા સૂર્ય તિલકની પ્રતિમા પર શું અસર જોવા મળશે?
17મી એપ્રિલ એટલે કે આવતીકાલે આખા દેશમાં ધામધૂમથી રામ-નવમીની ઊજવણી કરવામાં આવશે અને આ માટેની તૈયારીઓ પણ પૂરી થઈ ગઈ છે. આ વખતની રામ નવમી એટલા માટે પણ ખાસ છે કારણ કે વર્ષોના ઈંતેજાર બાદ આખરે રામ લલ્લા અયોધ્યા ખાતેના પોતાના ઘરે બિરાજમાન થયા છે અને આ જ વર્ષે શ્રીરામ મંદિરમાં પણ રામ નવમીની ભવ્યાતિભવ્ય ઊજવણી કરવામાં આવશે. આવું પહેલી વખત થવા જઈ રહ્યું છે કે જ્યારે પાંચ વર્ષના બાળ રામ લલ્લાના કપાળે સૂર્યતિલક થવા જઈ રહ્યું છે અને એ માટેની તૈયારીઓ પણ એકદમ જોરશોરથી થઈ રહી છે.
હવે આવી પરિસ્થિતિમાં કેટલાક લોકોના મગજમાં એવા સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા હશે કે એક તો ઓલરેડી આટલી બધી ગરમી છે અને એમાં જ્યારે રામ લલ્લાની પ્રતિમા પર સૂર્ય તિલક કરવામાં આવશે તો શું મૂર્તિ ગરમ થશે? આ ગરમીની મૂર્તિ પર કોઈ અસર જોવા મળી શકે છે. સોમવારે ફરી એક વખત આ સૂર્યતિલકનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.
આવતીકાલે એટલે કે 17મી એપ્રિલના દિવસે રામનવમી શુભ મુહૂર્ત બપોરે 12.40 કલાકનું છે. જ્યારે સૂર્યતિલક સવારે 11 કલાકે 58 મિનિટથી લઈને બપોરે 12.03 મિનીટ સુધી રહેશે. બેંગ્લોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ અને ઓપ્ટિક્સ એન્ડ એલાઈડ એન્જિનિયરિંગે સીબીઆરઆઈના વૈજ્ઞાનિકોના ગ્રુપ સાથે મળીને સૂર્ય તિલકની ખાસ તૈયારીઓ કરી છે.
હવે સવાલ એવો થાય છે કે શું સૂર્ય તિલકથી રામ લલ્લાની મૂર્તિ ગરમ થશે કે કેમ? તો તમારી જાણ માટે કે રામ નવમીના દિવસે કરવામાં આવનારા વિશેષ સૂર્ય તિલકને કારણે રામ લલ્લાની મૂર્તિ ગરમ નહીં થાય કે ન તો કોઈ વધારાની ગરમી પેદા થશે. ટૂંકમાં રામ લલ્લાની પ્રતિમા પર આ સૂર્ય તિલકની કોઈ અસર નહીં જોવા મળે.