આગામી બે-ચાર દિવસમાં ભાવિ નિર્ણય જાહેર કરીશ: અશોક ચવ્હાણ

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે સોમવારે કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ કહ્યું હતું કે ભાજપમાં જોડાવા અંગે અત્યાર સુધી મેં કોઈ નિર્ણય નથી લીધો.
આવનારાં બે-ચાર દિવસમાં હું ભાવિ રાજકીય નિર્ણયની જાહેરાત કરીશ, એમ તેમણે કહ્યું હતું.
રાજ્ય કૉંગ્રેસના પ્રમુખ નાના પટોલેને લખેલા પત્રમાં 65 વર્ષના ચવ્હાણે જણાવ્યું હતું કે હું સૌથી જૂના કૉંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું.
વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને તેમણે વિધાનસભ્ય તરીકેનું રાજીનામું પણ સુપરત કર્યું હતું.
મંગળવારે પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ પક્ષમાં અંદરખાને શું ચાલી રહ્યું છે તેની ચર્ચા હું જાહેર મંચ પર નહીં કરું.
પક્ષની આંતરિક બાબતોની જાહેરમાં ચર્ચા કરું હું એવી વ્યક્તિ નથી. રાજીનામાના મારા નિર્ણય અંગે મેં કૉંગ્રેસના કોઈ વિધાનસભ્ય સાથે વાતચીત નહોતી કરી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે તેમને પ્રભાવિત કરવાનો મારો કોઈ આશય નહોતો.
વિધાનસભાના સ્પીકરને મેં રાજીનામું સુપરત કરી દીધું હોવા ઉપરાંત કૉંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી પણ મેં રાજીનામું આપી દીધું છે, એમ તેમણે કહ્યું હતું. શું તમે ભાજપમાં જોડાશો એ પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું હતું કે આગામી બે-ચાર દિવસમાં હું એ અંગેના નિર્ણયની જાહેરાત
કરીશ. મારા આગામી પગલાં અંગે મેં કોઈપણ રાજકીય પક્ષ સાથે ચર્ચા નથી કરી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હું ભાજપની કાર્યપદ્ધતિથી પરિચિત નથી.
કૉંગ્રેસ છોડવાનો મારો નિર્ણય અંગત છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હું એ અંગે કોઈ કારણ આપવા માગતો નથી.
લોકસભામાં રજૂ કરવામાં આવેલા શ્વેતપત્રએ તેમને કૉંગ્રેસમાંથી રાજીનામું આપવા પ્રેર્યા હોવાના દાવાને ચવ્હાણે નકારી કાઢ્યો હતો.
શ્વેતપત્રમાં મુંબઈસ્થિત આદર્શ સોસાયટી કૌભાંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વર્ષ 2010માં આ કૌભાંડને લઈને જ ચવ્હાણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
ચવ્હાણ ભાજપમાં જોડાશે એવી વહેતી થયેલી અટકળો વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકારેને જણાવ્યું હતું કે `આગે આગે દેખો હોતા હૈ ક્યા.’ (એજન્સી)