તિહારમાં કેજરીવાલ સાથે પત્ની સુનીતાની રૂબરૂ મુલાકાત નહી કરવા દેવાઇ, સંજય સિંહનો દાવો
નવી દિલ્હીઃ હાલમાં જ જેલમાંથી જામીન પર છૂટેલા AAPના સંજય સિંહે એક સભામાં એવો આરોપ લગાવ્યો હતો કે બળેલા જેલ સત્તાવાળાઓએ કેજરીવાલના પત્ની સુનીતાને તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલ સાથે રૂબરૂ મળવાની મંજૂરી આપી નહોતી. તેમને બારીમાંથી કેજરીવાલને મળવા દેવાયા હતા. તિહાર જેલ પ્રશાસન ભાજપના દબાણમાં કામ કરી રહ્યું છે.
સંજય સિંહે દાવો કર્યો હતો કે તિહાર જેલમાં રૂબરૂ મુલાકાત સામાન્ય બાબત છે, પણ ‘અરવિંદ કેજરીવાલ સાથે અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે. ભયાનક ગુનેગારોને પણ બેરેકમાં તેમના પરિવારજનોને મળવાની છૂટ છે. જ્યારે દિલ્હીના ત્રણ વખતના સીએમ બનેલા કેજરીવાલને તેમની પત્ની અને પીએને વિન્ડો બોક્સ દ્વારા મળવાની છૂટ આપવામાં આવે છે. આવું અમાનવીય વર્તન શા માટે… આ અમાનવીય કૃત્ય માત્ર મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને અપમાનિત કરવા અને નિરાશ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આ લડાઈ લોકશાહી અને બંધારણને બચાવવાની છે.
આપણ વાંચો…
Sanjay Singh: શું સંજય સિંહ રાજકીય ગતિવિધિઓમાં ભાગ નહીં લઈ શકશે? SCએ આદેશ બદલ્યો
તેમણે આરોપ લગાવ્યો હતો કે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીના સાંસદની મુલાકાત તિહાર જેલ પ્રશાસન દ્વારા છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. તેની પાછળ સુરક્ષા કારણો દર્શાવવામાં આવ્યા હતા. અમને કહેવામાં આવ્યું છે કે પંજાબના મુખ્ય પ્રધાન અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વિન્ડો બોક્સ દ્વારા મળવાનું રહેશે. અરવિંદ કેજરીવાલને માનસિક રીતે તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સંજય સિંહે એમ પણ જણાવ્યું હતું કે તેઓ પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને વિનંતી કરશે કે તેઓ સરમુખત્યાર ના બને અને કેજરીવાલના અધિકારો છિનવી ના લે. આ અધિકારો તેમને બંધારણ, કાયદા અને જેલના નિયમ હેઠળ મળ્યા છે.
અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 15 એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહી છે, ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પહેલા 9 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસી કેસમાં ઈડી દ્વારા કરવામાં આવેલી અરવિંદ કેજરીવાલની ધરપકડને માન્ય જાહેર કરી હતી. દિલ્હીના મુખ્યપ્રધાને ઈડી દ્વારા તેમની ધરપકડ અને અટકાયતને ગેરકાયદેસર ગણાવતા કોર્ટમાં અરજી કરી હતી. એ અરજીને ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘અરવિંદ કેજરીવાલ દ્વારા છ મહિનાથી વધુ સમય સુધી નવ ED સમન્સની વારંવાર અવગણના કરવી એ તેમની ધરપકડમાં સૌથી મોટું કારણ હતું. જો કેજરીવાલ પીએમએલએની કલમ 50 હેઠળ જારી કરાયેલા સમન્સ મુજબ તપાસમાં જોડાયા હોત, તો આ કેસમાં ઇડી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા સામે તેઓ તપાસ એજન્સી સમક્ષ પોતાનો કેસ રજૂ કરી શક્યા હોત.