પતિ ભાઈની આ રીતે કરવા માગતો હતો મદદ પણ પત્નીના વિરોધને લીધે કેસ ગયો કોર્ટમાં ને…
ભોપાલઃ ભાઈ-ભાઈ વચ્ચેના ઝગડા તો તમે જોયા હશે. પોતાના પરિવાર માટે પત્ની સાથે પતિના ઝગડા થતા હોય તે પણ તમે જોયું હશે, પણ આ ઝગડાના વિષયો હંમેશાં પૈસા, ઘરના કામ વગેરે જેવા હશે, પરંતુ અહીં પતિ-પત્ની વચ્ચેનો ઝગડો કોર્ટમાં ગયો છે અને તેનું કારણ અલગ જ છે.
આ કેસ મધ્ય પ્રદેશના ભોપાલ શહેરનો છે. અહીં એક વ્યક્તિ પોતાના ભાઈનો જીવ બચાવવા માટે તેનું લિવર દાન કરવા માંગતો હતો, પરંતુ તેની પત્નીને આ મંજૂર ન હતું. તે વારંવાર તેનો વિરોધ કરતી હતી. તે વ્યક્તિ તેના ભાઈને લિવર દાન કરવા માટે હોસ્પિટલ પણ પહોંચ્યો હતો, પરંતુ તેની પત્નીએ વિરોધ કરતા મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
હવે આ મામલે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. એમપી હાઈકોર્ટે વ્યક્તિની તરફેણમાં નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે પત્નીનો વિરોધ યોગ્ય નથી કારણ કે તેનો પતિ એકદમ સ્વસ્થ છે. તેમની તબિયત સારી છે. તે પોતાના લિવરનો એક ભાગ તેના બીમાર ભાઈને દાન કરવા તૈયાર છે.
માણસના બીમાર ભાઈને ખરેખર તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. પતિ આ માટે સંપૂર્ણપણે તૈયાર હતો પરંતુ તેની પત્ની તેના માટે તૈયાર નહોતી. પત્નીએ હોસ્પિટલમાં વાંધો ઉઠાવ્યો હતો જેના કારણે તેના ભાઈનું ટ્રાન્સપ્લાન્ટ અટકાવવામાં આવ્યું હતું.
આ મામલામાં કોર્ટે કહ્યું છે કે અરજદારની પત્નીનો વાંધો તેમના લગ્ન જીવનને સફળ રાખવા માટે યોગ્ય હઈ શકે, પરંતુ લિવર ટ્રાન્સપ્લાન્ટ તેનાં પતિને નુકાસન પહોંચાડશે કે મૃત્યુ સુધી દોરી જશે તેવી તેની ધારણા ખોટી છે.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે લીવર એ એક અંગ છે જે સમય સાથે વધે છે. હાલમાં મેડિકલ સાયન્સના કારણે અંગો બીજાના શરીરમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યા છે. કોર્ટે વધુમાં કહ્યું કે પત્નીની ધારણાને પતિની ઈચ્છા સાથે સરખાવી શકાય નહીં. તે પોતાનું લીવર દાન કરીને પોતાના ભાઈનો જીવ બચાવવા માંગે છે. વિવિધ તથ્યો અને સંજોગોને જોતાં પતિના નિર્ણયને ગેરકાયદે ગણી શકાય નહીં.
પત્નીના ના પાડ્યા બાદ જ્યારે હોસ્પિટલે લિવર ટ્રાન્સપ્લાન્ટની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો ત્યારે પતિએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જેથી કોર્ટના આદેશ બાદ તે પોતાના ભાઈનો જીવ બચાવી શકે.