પતિના રોજના મારથી પરેશાન પત્નીએ પતિની હત્યા બાદ જે રાક્ષસી ક્રુરતા બતાવી તે…

કોઈપણનું કાળજું કાંપી જાય તેવી ઘટના આજે ઉત્તર પ્રદેશમાં જાહેર રસ્તા પર બની છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના રોજા નામના ગામમાં એક પત્નીએ જે ક્રુરતા બતાવી તે સહ્ય નથી અને સ્વીકાર્ય પણ નથી. દારૂડિયા પતિ દ્વારા રોજ માર ખાતી અને હેરાનગતિ સહન કરતી બે સંતાનની માતાએ પતિની હત્યા તો કરી, પણ ત્યાબાદ દસેક મિનિટ સુધી બાર્બરતાની હદ વટાવી હોય તેમ તેની ખોપરીમાંથી માંસ-આંતરડા કાઢતી રહી અને માત્ર આસાપાસના લોકો જ નહીં પોલીસ પણ ધ્રુજી ઉઠી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ તે જોવાલાયક નથી.
ઘટનાની મળતી વિગતો અનુસાર અહીં 40 વર્ષીય સત્યપાલ પોતાની પત્ની ગાયત્રી સાથે રહેતો હતો અને તેને રોહિતી અને દિપ્તી નામે બે સંતાન પણ છે. બન્ને સંતાન દાદી પાસે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આજે બપોરે સત્યાપાલ ઘરે આવ્યો અને પત્ની સાથે ઝગડો થયો. ઝગડાનું કારણ પતિએ પત્ની પાસેથી મુરઘી ખરીદવા 300 રૂપિયા માગ્યા જે પત્ની પાસે ન હતા. બન્ને વચ્ચે ઝગડો થયો અને પતિએ પત્ની સામે ડંડો ઉગામ્યો. રોજ રોજની કકડાટથી તંગ આવેલી પત્નીએ હથોડો હાથમાં લીધો અને પતિને મારવા દોડી. પતિએ ઘરની બહાર દોટ લગાવી પણ પત્નીએ તેના માથા પર હથોડો મારી તેને પાડી નાખ્યો. ત્યારબાદ તે તેની છાતી પર બેસી અને ઈંટ વડે તેનું માથું છુંદી નાખ્યું અને ત્યારબાદ જાણે બકેટમાંથી ટમલર વડે પાણી બહાર કાઢતા હોય તેમ તેની ખોપરીમાંથી માંસપેશી બહાર કાઢવા લાગી. આ જોઈ સૌ કોઈ એટલા તો ગભરાઈ ગયા કે કોઈ તેની પાસે ફરકવા પણ ન ગયું.
આ પણ વાંચો : સાવધાન! 14 મહિનામાં 9 મહિલાઓની હત્યા કરનારો સિરિયલ કિલર છડેચોક ઘુમી રહ્યો છે
દરમિયાન પોલીસની ગાડી પસાર થઈ ને ભીડ જોઈ. પોલીસે પણ જ્યારે આ દૃશ્ય જોયું ત્યારે કાંપી ગઈ અને થોડી વાર પછી મહામહેનતે મહિલાને પકડી. મહિલાએ કોઈપણ જાતના ધઃખ વિના કહ્યું કે સાબ ઈનકો જલા દેના ઔર મુજે ભી જલા દેના. પોલીસની પૂછપરછમાં મહિલાએ કહ્યું કે હું રોજના કંકાસ અને મારપીટથી કંટાળી ગઈ હતી. મને તેના પર એટલો ક્રોધ હતો કે તેને માર્યા બાદ પણ મને સંતોષ ન થયો.
પડોશની મહિલાઓએ જણાવ્યું કે સત્યપાલ કંઈ ખાસ કમાતો નહીં અને ઘરમાં રૂપિયા આપતો ન હતો. બન્ને વચ્ચે રોજ ઝગડા થતા એટલે કોઈ તેમાં પડતું નહીં. જોકે આજનો આ ઝગડો આવું વરવું રૂપ લેશે એ કોઈને ખબર ન હતી. માતા-પિતાના આ પ્રકારના સંબંધોને લીધે સંતાનો દાદી સાથે રહેતા હતા. હાલમાં પોતાની માતાની આ ક્રુરતા જોઈએ તેઓ પણ સમસમી ગયા છે.
દારૂ પીને પત્ની અને બાળકોને મારતા પતિ આપણે ત્યાં શેરીએ ને ગલીએ મળશે. ગરીબી અને તેમાં નશાની આદતે કેટલાય પરિવારોને પાયમાલ કર્યા છે. કોઈપણ સ્ત્રી માટે પતિની આ પ્રકારની સતામણી સહન કરવી ખૂબ જ મુશ્કેલ છે અને તેના માનવીય હક વિરુદ્ધ છે, પરંતુ આપણે ત્યાં આ બાબતોને સહજતાથી લેવાઈ છે. આ સાથે આ કિસ્સામાં પતિ સાથે જે થયું તે પણ સ્વીકાર્ય નથી.