રીલ બનાવવાની ના પાડતાં પત્નીને કાઢી મૂકી! સોશિયલ મીડિયા ક્રેઝની ચોંકાવનારી ઘટના

લખનઉ: સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો ક્રેઝ રોજેરોજ વધતો જ જઈ રહ્યો છે. જો કે આ ઘેલછા પારિવારિક સંબધો પર પણ અસર કરવા લાગી છે. ઉત્તર પ્રદેશમાંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પત્નીએ રીલ બનાવવાની ના પડતાં પતિએ પત્નીને ઘરની બહાર કાઢી મૂકી હતી. પત્ની ત્રણ દિવસ સુધી ઘરની બહાર ધરણાં પર બેસી ગઈ હતી અને અંતે પોલીસની દરમિયાનગીરી બાદ તેને ઘરમાં પ્રવેશ મળ્યો.
મળતી વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના શકુન નગર મહોલ્લાની રહેવાસી દીપિકાએ જણાવ્યું કે, તેના પતિ સતત તેના પર રીલ બનાવવાનું દબાણ કરી રહ્યા હતા. પતિનું કહેવું હતું કે રીલ બનાવવાથી પૈસા આવશે અને કમાણી થશે. દીપિકાનો આરોપ છે કે પતિ કહેતો હતો – “પૈસા કમાઈશ તો જ ઘરમાં રાખીશ.” જ્યારે તેણે આવી પ્રવૃત્તિ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી, તો પતિએ તેને ત્રણ દિવસ પહેલાં ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.
મહિલાના પિતાએ જણાવ્યું હતું કે દિપીકાના લગ્ન 2024માં 22 નવેમ્બરના રોજ થયા હતા. લગ્નના શરૂઆતના દિવસોમાં બધુ સામાન્ય રહ્યું હતું પરંતુ થોડા સમય બાદ સાસરાપક્ષ તરફથી તેમની દીકરીને પરેશાન કરવા લાગ્યા હતા. આ બધુ એટલી હદ સુધી પહોંચી ગયું હતું કે તેમની દીકરીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી.
દીપિકા ત્રણ દિવસ સુધી ઘરની બહાર ધરણા પર બેસી રહી હતી અને આ દરમિયાન આ મામલો આખા મહોલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો હતો. માહિતી મળતાં જ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મહિલાના ધરણાની જાણ થતાં પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો અને પરિવારના લોકોને સમજાવવામાં આવ્યા અને ત્યારબાદ મહિલાને ઘરની અંદર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આપણ વાંચો: Tamilnadu ભાગદોડ! બાળકી ગુમ થયાની વાત કે ‘જોશવાળું ગીત’, શેના કારણે 39 લોકોએ જીવ ગુમાવ્યા?