નેશનલ

ઓડિશામાં વ્યાપક વરસાદ તમિળનાડુ, આંધ્રમાં મરણાંક ૩૪ થયો

ચેન્નઇમાં વાવાઝોડા અને તેને પગલે આવેલા ભારે વરસાદને લીધે થયેલી તારાજી. તમિળનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં વાવાઝોડાની સાથે ભારે વરસાદ પડતા જાનમાલની ભારે હાનિ થઇ હતી. (પીટીઆઇ)

ભૂવનેશ્ર્વર: ઓડિશામાં બુધવારે વ્યાપક વરસાદ પડ્યો હતો. ગજપતિ જિલ્લાના વહીવટીતંત્રે ભારે વરસાદને લીધે બધી શાળા બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

ઓડિશામાં વાવાઝોડાની અસરને લીધે ગંજમ, ગજપતિ, કલાહાંડી, કાંધમલ અને નાબારંગપુર જિલ્લામાં વ્યાપક વરસાદ થયો હતો. દરમિયાન, મલકાનગિરિ, કોરાપુત અને રાયગડામાં ભારે વરસાદ પડવાથી સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું હતું.ગજપતિ જિલ્લાના વહીવટીતંત્રે ભારે વરસાદને પગલે બુધવારે બધી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને આંગણવાડી કેન્દ્રો બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ઓડિશામાં બુધવારે મોડી રાત સુધી વ્યાપક વરસાદ ચાલુ રહ્યો હતો. અગાઉ, આંધ્ર પ્રદેશ અને તમિળનાડુમાં
વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે ૩૪ જણ માર્યા ગયા હતા અને અનેક જણને સંબંધિત ઘટનામાં નાની મોટી ઇજા થઇ હતી.

આંધ્ર પ્રદેશ અને તમિળનાડુ સરકાર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી કરાઇ રહી છે. ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિળનાડુમાં અનેક વૃક્ષ પડી ગયા હતા અને કાચા ઘરને નુકસાન થયું હતું.

ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા બચાવ અને રાહત કામગીરીના ભાગરૂપે અસરગ્રસ્તોને ખાદ્યસામગ્રી પહોંચાડવાનું અને સલામત સ્થળે ખસેડવાનું કામ સ્થાનિક વહીવટીતંત્રને મદદથી હાથ ધરાયું હતું.

દ્રમુકના સાંસદ ટી. આર. બાલુએ તમિળનાડુમાં આવેલા વાવાઝોડાને રાષ્ટ્રીય કુદરતી આફત જાહેર કરવાની માગણી કરી હતી.

અગાઉ, વાવાઝોડું ત્રાટકવાને પગલે આંધ્ર પ્રદેશ અને તમિળનાડુમાં હાઈ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો હતો. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન આ બંને રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. દક્ષિણ ભારતના આ રાજ્યોમાં પડેલા ભારે વરસાદમાં અનેક ફિલ્મ અભિનેતા અને અભિનેત્રીઓના બંગલામાં પણ પાણી ભરાઇ ગયું હતું.

ચેન્નઈ તેમ જ તેની આસપાસના વિસ્તારમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૨૩ જણનાં મોત થયાં હોવા ઉપરાંત ૧૧ જણ ઘાયલ થયા હતા. શહેરના બસંત નગર વિસ્તારમાં વીજળી પડવાને કારણે બે જણનું તો ઝાડ તૂટી પડવાને કારણે એક જણનું મૃત્યુ થયું હતું.

ચેન્નઈ તેમ જ તેની આસપાસના વિસ્તારમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં એક ડઝન કરતાં પણ વધુ જણ મૃત્યુ પામ્યાં છે. ફસાયેલા લોકોને ઉગારી લેવા ફિશિંગ બૉટ અને ટ્રેક્ટરો કામે લગાડવામાં આવ્યાં છે.

ચેન્નઈ સહિત અસરગ્રસ્ત નવ જિલ્લામાં ૬૧,૬૬૬ રાહત છાવણી ઊભી કરવામાં આવી છે તેમ જ ૧૧ લાખ ફૂડ પૅકેટ અને એક લાખ દૂધના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે.
તબક્કાવાર વીજપુરવઠો ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે.

ચેન્નઈમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઈજા પામેલા ૧૧ જણને વિવિધ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી માટે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ કાર્યરત છે.

ભારે વરસાદને પગલે રસ્તા પર પાણીનું વહેણ એટલું તીવ્ર બની ગયું હતું કે અનેક કાર તેમાં તણાઈ ગઈ હતી. ભારે વરસાદને પગલે વિમાનમથક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

અગાઉ, વાવાઝોડાંની અસરનો સામનો કરવામાં તમિળનાડુની એમ. કે. સ્ટાલિન સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ અન્નાદ્રમુકે મંગળવારે કર્યો હતો. યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને કહ્યું હતું.

વર્ષ ૨૦૧૫માં અન્નાદ્રમુક સત્તા પર હતો તે સમયે પૂરની પરિસ્થિતિને જે રીતે હાથ ધરવામાં આવી હતી હાલ તેનાં કરતાં વધુ સારી રીતે કામગીરી બજાવવામાં આવી રહી હોવાનું સ્ટાલિને કહ્યું હતું. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button