મોટા ઉપાડે બિહારમાં મતદારો માટે આંદોલન ચલાવનારા રાહુલ ગાંધી હવે ગાયબઃ હાર ભાળી ગયા કે શું?

નવી દિલ્હીઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસથી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. દિલ્હીના ફેમસ ઘંટાવાલા મીઠાઈવાળાની દુકાનમાં જઈ લાડુ બનાવતા શિખી રહ્યા છે, ઈમરતી તળી રહ્યા છે. આ વીડિયો દ્વારા રાહુલ ભલે લોકોના નેતા તરીકે પોતાની જાતને પુરવાર કરવા માગતા હોય, પરંતુ તેમને જ નુકસાન થઈ રહ્યું છે તેની ચર્ચા વધારે જરૂરી છે.
દેશની રાજનીતિમાં મહત્વનો ભાગ ભજવતા બિહાર રાજ્યની વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો છે. ગમે તેટલા ખેડૂતોને મળે, લોકોના દુઃખમાં સામેલ થાય, લાડુ બનાવે કે ટ્રેક્ટર ચલાવે, જો તેમનો પક્ષ ચૂંટણી નહીં જીતે તો નિષ્ફળ નેતા તરીકેની તેમની છબિ પર વધુ એક મહોર લાગશે.
આરંભે શૂરા હવે ક્યાં ખોવાઈ ગયા
બિહારની ચૂંટણીના ઘણા સમય પહેલાથી લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીનો મુદ્દો ચગાવ્યો. આ મુદ્દે તેમણે ભાજપ અને ચૂંટણી પંચને કામે લગાડ્યું. પ્રેસ કોન્ફરન્સ કરી, સતત આક્ષેપોનો મારો ચલાવ્યો, સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો. એક સમયે એવું લાગ્યું કે રાહુલ મેદાને પડી ગયા છે અને એનડીએને હંફાવી નાખશે.
સાથીપક્ષ આરજેડી સાથે બેઠકો, તેજસ્વી યાદવ સાથે રેલી આ બધાએ માહોલ બનાવ્યો. પણ જેવી ચૂંટણી જાહેર થઈ કે રાહુલ યુએસની યાત્રાએ નાહકના નીકળી ગયા. પંદરેક દિવસ ત્યાં રહ્યા બાદ આવ્યા, પણ બિહાર જવાને બદલે હરિયાણા અને ઉત્તર પ્રદેશના મુદ્દાઓ પર કામ કર્યું અને બિહાર ને ભૂલી ગયા.
બઠકોની વહેંચણીમાં ગૂંચવાડો
બિહારની ચૂંટણી 6 અને 11 નવેમ્બરે યોજાશે અને 14મી નવેમ્બરે પરિણામ આવશે. ભાજપ અને કૉંગ્રેસ બન્નેને સ્થાનિક પક્ષોની જરૂર પડી છે અને બન્ને ગઠબંધનમા લડી રહ્યા છે. એનડીએ હાલ સત્તામાં પણ છે. એનડીએની વાત કરીએ તો BJP, JDU, LJP-RV, HAM-S એ રાજ્યની 243 બેઠકો માટે બેઠકોની વહેંચણી કરી નાખી છે.
JDU અને BJP એ 101-101 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. ચિરાગ પાસવાનની પાર્ટીએ 29 બેઠકો પર લડશે અને બીજી બેઠકો નાના સાથીઓને આપી છે. પણ બીજી બાજુ મહાગઠબંધનમાં RJD, કોંગ્રેસ, ડાબેરી પક્ષો, VIP વચ્ચે હજુ મેનમેળ નથી. ખુદ રાહુલ અને તજસેવી વચ્ચે જ ખેંચતાણ ચાલી રહી છે. નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ સુધી ચિત્ર સપ્ષ્ટ થતા ન હોય ત્યારે ઉમેદવારોનું મનોબળ પણ નબળું પડવા લાગે છે. હાલમાં સ્થિતિ એ છે કે ગઠબંધનના એક નેતાએ બીજા નેતા સામે ઉમેદવારી દાખલ કરી દીધી છે.
તેજસ્વીને મુખ્ય પ્રધાનનો ચહેરો બનાવવાની આરજેડીની જીદ કૉંગ્રેસને મંજૂર નથી, તો કૉંગ્રેસે વાતચીત કરી મામલો સાફ કરવો જોઈએ, પરંતુ કંઈ જ થઈ રહ્યું નથી. કારણ કે જે રાહુલનો ચહેરો સાથે લઈ આરજેડી ચાલી રહ્યું હતું તે રાહુલ જ ગાયબ છે.
રાહુલ ગાંધી હાર ભાળી ગયા કે…
2014ની ચૂંટણી બાદ વિવિધ રાજ્યોની ચૂંટણીમાં કૉંગ્રેસને સતત હાર મળી છે. દર વખતે રાહુલ ગાંધીની નેતાગીરી પર સવાલો ઊભા થાય છે અને નિષ્ફળતાનો તહેરો રાહુલ બની જાય છે. બિહારમાં રાહુલે આરજેડી સાથે સમાધાનકારી સ્થિતિમાં રહેવું પડ્યું છે. કૉંગ્રેસ બેઠકોની વહેંચણીમાં પણ જાજું કંઈ ઉકાળી શકી નથી.
તેજસ્વી સીએમ બનવા મથી રહ્યો છે અને કૉંગ્રેસને આ રીતે પહેલેથી તેજસ્વીનો ચહેરો આગળ ધરવો મંજૂર નથી. જે બેઠકો મામલે વિવાદ છે તેને ઉકેલવાનું રાહુલના ગજ્જા બહારનું છે. બીજી બાજુ એનડીએ દમ લગાવીને પ્રચારમાં પડી છે. તેમનું સંગઠન મજબૂત છે, નીતિશ કુમારનો ચહેરો છે. આથી રાહુલને અંદાજ આવી ગયો હશે કે કૉંગ્રેસ ખાસ કઈ ચમત્કાર સર્જી શકે તેમ નથી, આથી પહેલેથી તસવીરની બહાર નીકળી પોતાનો ચહેરો સુરક્ષિત કરી રહ્યો હોવાનું પણ નિષ્ણાતો જણાવે છે.
આ પણ વાંચો…બિહાર ચૂંટણીમાં 12 બેઠકો પર મહાગઠબંધનના જ ઉમેદવારો આમને-સામને! NDA માટે લડાઈ સહેલી બની



