ટ્રમ્પના શપથ ગ્રહણ માટે PM મોદીને આમંત્રણ નહીં, જાણો કારણ…
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ સંભાળવા માટે તૈયાર છે. તેઓ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તે પહેલા તેમના શપથ ગ્રહણ સમારોહને શાનદાર બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે વિશ્વના ઘણા નેતાઓને આમંત્રણ મોકલ્યા છે. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં વિશ્વભરના ઘણા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જે જોઇને એમ લાગે છે કે વોશિંગ્ટનમાં વૈશ્વિક નેતાઓનો મેળાવડો જોવા મળવાનું છે. ટ્ર્મ્પના આમંત્રણ લિસ્ટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું નામ પણ સામેલ છે. આ યાદીમાં ભારતીય પીએમનું નામ ન હોવાને કારણે રાજકીય અને રાજદ્વારી વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે.
ટ્ર્મ્પની નારાજગીનું શું કારણ છે?
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ યુએસ રાષ્ટ્રપતિની રેસમાં સામસામે હતા, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપવા માટે ન્યૂયોર્ક ગયા હતા. તે સમયે ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં વડા પ્રધાન મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ટ્રમ્પનું માનવું હતું કે મોદી સાથેની હાઇ-પ્રોફાઇલ મુલાકાત તેમની ચૂંટણી છબીને મજબૂત કરશે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મિલા, હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓર્બન અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની જેવા વૈશ્વિક નેતાઓ કાં તો ટ્રમ્પને ટેકો આપી રહ્યા હતા અથવા તેમને મળી રહ્યા હતા. મોદીને મળવાથી ટ્રમ્પના સમર્થકો અને સામાન્ય અમેરિકન જનતામાં એક મોટો સંદેશ ગયો હોત. ટ્રમ્પ ઈચ્છતા હતા કે પીએમ મોદી તેમને મળે, જેથી ભારતીય મૂળના મતદારો પ્રભાવિત થઈ શકે. એ સમયે ભારતીય રાજદ્વારીઓ સમક્ષ એક મુશ્કેલ પ્રશ્ન ઉભો થયો.
કમલા હેરિસ ભારતીય મૂળની હતી, તેથી જ પીએમ મોદી ટ્રમ્પના સમર્થનમાં બહાર ન આવ્યા. 2019ની ચૂંટણી દરમિયાન મોદીએ ટ્રમ્પના સમર્થનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, પરંતુ બાઇડેનનો વિજય થયો હતો. પરિણામે, રાષ્ટ્રપતિ બાઇડેન સાથે પીએમ મોદીનું કમ્ફર્ટ લેવલ ટ્રમ્પ સાથે જેવું નહોતું. ભારતીય વિદેશ મંત્રાલયે નિર્ણય લીધો કે અમેરિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોથી અંતર રાખવું ભારતના લાંબા ગાળાના હિતમાં રહેશે. જો મોદી ટ્રમ્પને મળે અને કમલા હેરિસ ચૂંટણી જીતી જાય, તો તેની ભારત-અમેરિકા સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી વિદેશ મંત્રાલયે પીએમને ચૂંટણી પ્રચારથી દૂર રાખવાને યોગ્ય માન્યું હતું. આ જ કારણ હતું કે મોદી ટ્રમ્પને મળ્યા નહીં.
ટ્રમ્પ એ વાતથી નારાજ હતા કે મોદી સાથેની મુલાકાત તેમને ચૂંટણીમાં ફાયદો આપી શકી હોત, પરંતુ ભારતે તે ટાળ્યું. જોકે, ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા અને હવે તેઓ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. ટ્રમ્પે શપથ ગ્રહણ સમારોહમાં મોટાભાગે એવા નેતાઓને આમંત્રણ આપ્યું છે જેઓ વૈચારિક રીતે તેમની નજીક છે અથવા જેમણે ખુલ્લેઆમ તેમનું સમર્થન કર્યું છે. ચીન સાથેના બગડતા સંબંધોને ધ્યાનમાં રાખીને, ટ્રમ્પે રાષ્ટ્રપતિ શી જિનપિંગને ખાસ આમંત્રણ આપ્યું હતું, જોકે, જિનપિંગે તેમના એક વરિષ્ઠ પ્રતિનિધિને શપથ ગ્રહણ સમારોહમાં મોકલવાનું નક્કી કર્યું છે.
Also read: ટ્રમ્પ સત્તા સંભાળ્યાના પ્રથમ દિવસથી લેશે આકરા નિર્ણય, ઇમિગ્રેશન પર લઇ શકે છે મોટો ફેંસલો
ભારતે હંમેશા એ સુનિશ્ચિત કર્યું છે કે અમેરિકા સાથેના તેના સંબંધો કોઈ એક રાજકીય પક્ષ પૂરતા મર્યાદિત નથી. ભારતે ડેમોક્રેટ અને રિપબ્લિકન સાથે સમાન સંબંધો જાળવી રાખ્યા છે. ટ્રમ્પ અને મોદી વચ્ચેના સંબંધો ભલે સારા રહ્યા હોય, પરંતુ ભારતે રાજદ્વારી સંતુલન જાળવવાનું નક્કી કર્યું છે. ટ્રમ્પ હોય કે કોઈ બીજું વ્હાઇટ હાઉસમાં હોય, ભારત-અમેરિકા સંબંધો મજબૂત રહેશે. ભારતની વિદેશ નીતિ વૈશ્વિક અને લાંબા ગાળાની છે.