નેશનલ

ટનલમાં ઇમરજન્સી એક્ઝિટ કેમ નહિ?: ભૂલ કે બેદરકારી

ઉત્તરકાશી જિલ્લાની નિર્માણાધીન ટનલમાં ફસાયેલા કામદારોને લગભગ 7 દિવસ જેટલો સમય થઇ ગયો છે. 41 લોકોના જીવ બચાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ પરિવારના સભ્યો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે તેમના સ્વજનો હેમખેમ બહાર આવી જાય. ત્યારે દરેકને એ પ્રશ્ર્ન થાય કે અગાઉ પણ આવા ગંભાર અકસ્માતો થયા છે ત્યારે શું આ ટનલ બનાવનારી કંપનીએ આવા અકસ્માતને ટાળવા માટે બીજા કોઇ રસ્તા વિચાર્યા નહી હોય.

આ ટનલ બનાવનારી કંપની પર કથિત રીતે ખૂબ જ ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જ્યારે ટનલ બનાવવા માટે જે નકશો તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં એક ઇમરજન્સી એક્ઝિટ પણ બનાવવાનો હતો અને તેનું કામ પહેલા પૂર્ણ થવું જોઇએ ત્યારે તે ઇમરજન્સી એક્ઝિટ કેમ બન્યો જ નહોતો? હવે કેટલાક લોકો તેને કંપનીની ગંભીર ભૂલ ગણાવી રહ્યા છે તો કેટલાક તેને ઘાતક બેદરકારી ગણાવી રહ્યા છે.

હાલમાં દેશમાં ચાલી રહેલા તમામ પ્રોજેક્ટ્સમાં કેટલાક ટેકનિકલ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જેમાં પર્વતોમાં ટનલ બનાવતી વખતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન કરવામાં આવે છે. જે મુજબ 3 કિલોમીટરથી વધુ લાંબી તમામ ટનલોમાં ઈમરજન્સીના સંજોગોમાં લોકોને બચવા માટે એક અલગ રૂટ હોવો જોઈએ. ત્યારે તૈયાર કરાયેલા નકશા પ્રમાણે આ 4.5 કિલોમીટર લાંબી સિલ્ક્યારા ટનલની યોજનામાં એક ઈમરજન્સી એક્ઝિટ ગેટ બનાવવાનો હતો, પરંતુ આ રસ્તો બનાવવામાં આવ્યો જ નહોતો.


ટનલના નિર્માણ સમયે કોઇ પણ પ્રકારની અણધારી ઘટના બને ત્યારે આવા બચાવ માર્ગોનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઇ ટનલનો કોઈ ભાગ તૂટી પડે, ભૂસ્ખલન થાય કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાય તો આવા માર્ગે વાહનોમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢી શકાય.


સુરંગનો આ નકશો ત્યારે ધ્યાનમાં આવ્યો જ્યારે કેન્દ્રીય પ્રધાન વીકે સિંહે ગુરુવારે જેમના સ્વજનો ટનલમાં ફસાયેલા છે તેમના ઘરોની મુલાકાત લીધી હતી. જો કે અત્યારે સામદારોને બચાવવા માટે કામગીરી ચાલી રહી છે પરંતુ તેના ખાસ કોઇ પરિણામ મળી રહ્યા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button