બાબરી મસ્જિદનું વિવાદિત માળખું તોડી પડાયું ત્યારે પીએમ સાથે કેમ કોઈનો સંપર્ક થયો નહોતો…

અયોધ્યા: 6 ડિસેમ્બર 1992 ના રોજ જ્યારે અયોધ્યામાં વિવાદિત બાબરી માળખું તૂટી પડ્યું ત્યારે પીવી નરસિમ્હા રાવ દેશના વડા પ્રધાન હતા. સવાર સવારમાં જ્યારે કાર સેવકો અયોધ્યામાં વિવાદિત બાબરી માળખા તરફ આગળ વધવા લાગ્યા ત્યારે નરસિમ્હા રાવે કેબિનેટના કેટલાક પ્રધાનો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પણ પ્રધાન સાથે તોમને સંપર્ક થઈ શક્યો નહોતો ત્યાં સુધી કે ગૃહ પ્રધાન એસબી ચવ્હાણ સાથે પણ તેમની વાત થઈ શકી નહોતી. જેનો ઉલ્લેખ ગુલામ નબી આઝાદે તેમની આત્મકથા “આઝાદ” માં કર્યો છે.
રાવની સરકારમાં સંસદીય બાબતોના પ્રધાન રહેલા ગુલામ નબી આઝાદ આગળ લખે છે કે બાબરી ઢાંચાના પતન પછી તે જ સાંજે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. વડા પ્રધાન રાવે મને કહ્યું હતું કે હું સંસદીય બાબતોનો પ્રધાન છું તેથી મારે સંસદને જાણ કરવી જોઈએ કે ગૃહ પ્રધાન ચવ્હાણ રાજીનામું આપશે. પીએમ તરફથી મળેલી સૂચના પ્રમાણે મેં સંસદને જાણ કરી હતી. ત્યારબાદ ડાબેરીઓએ ઘણો હોબાળો કર્યો પરંતુ ગૃહ પ્રધાને રાજીનામું આપ્યું ન હતું. આ ઉપરાંત આ બેઠકમાં વડા પ્રધાન નરસિમ્હા રાવ અને સંરક્ષણ પ્રધાન શરદ પવાર, વિદેશ પ્રધાન પ્રણવ મુખર્જી, નાણા પ્રધાન ડૉ. મનમોહન સિંહ જેવા પ્રધાનો હાજર હતા. તે સભામાં સમાજ કલ્યાણ પ્રધાન સીતારામ કેસરી રડવા લાગ્યા હતા બાદમાં સીતારામ કેસરી લાંબા સમય સુધી કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષ રહ્યા હતા અને પછી પાર્ટીના અધ્યક્ષ પણ બન્યા હતા.
કેબિનેટમાં સંરક્ષણ પ્રધાન રહેલા શરદ પવારે પણ તેમની આત્મકથામાં 6 ડિસેમ્બર 1992ની ઘટનાની વિસ્તૃત વિગતો આપી છે. પવાર તેમના પુસ્તકમાં લખે છે કે હું પહેલેથી જ અયોધ્યામાં કંઈક અપ્રિય થવાની ધારણા કરી રહ્યો હતો, તેથી હું પહેલા ગૃહ પ્રધાન ચવ્હાણ અને પછી વડા પ્રધાન પાસે ગયો. મેં તેમને અયોધ્યામાં સૈન્યની ટુકડી મોકલવાનું પણ કહ્યું હતું. પરંતુ પીએમએ તરત જ મારી માંગને ફગાવી દીધી હતી.