નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ગેરંટી આપવામાં કૉંગ્રેસ કેમ પાછળ રહી જાય… મહિલાઓને આપી આ પાંચ ગેરંટી

નવી દિલ્હીઃ ચૂંટણી નજીક આવે છે અને દેશમાં 49 ટકા મહિલા મત છે. મહિલાઓને રીઝવવાની તક એકપણ પક્ષ છોડવા માગતો નથી અને તેમને આ પરવડે તેમ પણ નથી. મહિલાઓ પોતાના મતાધિકાર મામલે ઘણી સજાગ થઈ છે અને ઘણા મતદાન ક્ષેત્રોમાં પુરુષો કરતા મહિલાઓના મત વધારે પડે છે. આથી કૉંગ્રેસે પણ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ ગેરંટી આપવાનું શરૂ કરી દીધું છે. આ કૉંગ્રેસે નારી ન્યાય ગેરંટીના નામે પાંચ જાહેરાત કરી છે, જે તેમના ચૂંટણી ઢંઢેરામાં પણ રહેશે. કૉંગ્રેસે જાહેર કરેલી પાંચ ગેરંટી છે…
- મહાલક્ષ્મીઃ ગરીબ પરિવારની મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયા.
- વસ્તી અડધી-અધિકાર પૂરો: કેન્દ્ર સરકારમાં તમામ નવી ભરતીઓમાં અડધો ભાગ મહિલાઓ માટે અનામત રહેશે.
- શક્તિનું સન્માન: આશા, આંગણવાડી અને મધ્યાહન ભોજન બનાવતી મહિલાઓના માસિક પગારમાં કેન્દ્ર સરકારનું યોગદાન બમણું કરવામાં આવશે.
- અધિકાર મૈત્રી: દરેક પંચાયત એક અધિકારી મૈત્રીની નિમણૂક કરશે જે મહિલાઓને તેમના કાનૂની અધિકારો વિશે માહિતગાર કરશે અને આ અધિકારો મેળવવામાં પણ મદદ કરશે.
- સાવિત્રી બાઈ ફૂલે હોસ્ટેલ: કેન્દ્ર સરકાર દેશમાં કામ કરતી મહિલાઓ માટે હોસ્ટેલની સંખ્યા બમણી કરશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક હોસ્ટેલ હશે
હવે આવી ગેરંટી બીજા પક્ષો પણ આપશે. જોકે હકીકત તો એ છે કે આઝાદીના 75 વર્ષ બાદ પણ આપણે મહિલા સુરક્ષા, મહિલા શિક્ષણ, મહિલા રોજગારી વગેરે ક્ષેત્રોમાં જોઈએ તેટલી પ્રગતિ કરી શક્યા નથી. ગરીબી, પાણીની અછત, સ્વચ્છતાનો અભાવ, જાતીય શોષણ, મારપીટ જેવા ઘણા મામલે મહિલાઓ આજે પણ શોષણનો ભોગ બની રહી છે.