નેશનલ

ભૂપેશ બઘેલ હજુ પણ હાર પચાવી શક્યા નથી, પાછા EVM પર ઉઠાવ્યા સવાલ

રાયપુરઃછત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે 90 માંથી 54 બેઠકો જીતીને સત્તામાં અદભૂત વાપસી કરી છે. કોંગ્રેસે 2018 માં રાજ્યમાં 68 બેઠકો જીતી હતી, તે ઘટીને હવે 35 બેઠકો પર આવી ગઈ છે, જ્યારે ગોંડવાના ગણતંત્ર પાર્ટી (GGP) એક બેઠક જીતવામાં સફળ રહી છે.

આ કારમી હારના દુઃખમાંથી પૂર્વ મુખ્ય પ્રધાન ભુપેશ બાઘેલ હજી પણ બહાર નથી આવી શક્યા. વચનેશું કિંવ દારિદ્રયમ એ ભાવે તેમણે છૂટા હાથે રાજ્યમાં આટઆટલા વચનોની લહાણી કરી હોવા છતાં તેમની પાર્ટીને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો તે વાત તેમને દુઃખી કરી રહી છે અને પત્રકારો સાથે વાતચીતમાં તેઓ પોતાની દાઝ કાઢવાનું ચૂકતા નથી.

પાંચ રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવા શુક્રવારે પાર્ટીની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જતા પહેલા બઘેલ રાયપુર એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. જ્યારે બઘેલને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના નિવેદન વિશે પૂછવામાં આવ્યું હતું કે કોઈપણ ચિપવાળા મશીનને હેક કરી શકાય છે અને તેમણે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર પછી 2003 થી ઈવીએમ દ્વારા મતદાનનો વિરોધ કર્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે, ”જ્યારે પણ કોઈ ઈવીએમની ટીકા કરે છે ત્યારે ભાજપને ફાયદો થાય છે.


જો કોઈ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગે સહેજ પણ ટીકા કરે છે, તો ભારતીય જનતા પાર્ટી (BJP)ને બહુ ગુસ્સો આવે છે. જો ભાજપને ખરાબ લાગતું હોય અને તેમને ગુસ્સો આવતો હોય, તો કંઈક તો થતું જ હશે.

જ્યારે છત્તીસગઢમાં પાર્ટીની હારના કારણો વિશે પૂછવામાં આવ્યું ત્યારે બઘેલે કહ્યું હતું કે, “સમીક્ષા પછી ખબર પડશે. મેં પહેલા જ કહ્યું છે કે જનતાનો જનાદેશ સ્વીકારવામાં આવ્યો છે. “

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button