ભારતનો આ પ્રદેશ કેમ બની ગયો ‘મિની ઇઝરાયેલ’?
હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારો મિની ઇઝરાયેલ બની ચુક્યા છે. દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં ઇઝરાયેલી પ્રવાસીઓ હરવા-ફરવા આવે છે. હવે તો અહીંના સાઇનબોર્ડ્ઝ પણ હિબ્રુ ભાષામાં જોવા મળે છે. જો કે સવાલ એ ઉભો થાય છે કે ભારતમાં ઘણા પ્રવાસન સ્થળો છે. તેમ છતાં શા માટે ઇઝરાયેલીઓને હિમાચલ જ પસંદ છે?
હિમાચલના ટ્રાવેલ એસોસિએશનનું કહેવું છે કે દર વર્ષે અહીં 30 હજારથી પણ વધુ ઇઝરાયેલી ફરવા આવે છે. દિલ્હી સ્થિત ઇઝારાયેલી એમ્બેસીએ કેટલાક વર્ષો પહેલા કહ્યું હતું કે 80 હજારથી વધુ ઇઝરાયેલી યુવકો દર વર્ષે હિમાચલ પહોંચે છે. ખાસ કરીને 20થી 24 વર્ષની ઉમર ધરાવતો યુવાવર્ગ. આ એ ઉંમર છે જ્યારે ઇઝરાયેલમાં મિલિટરી ટ્રેઇનીંગ પૂર્ણ થાય છે.
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ઘર્ષણ એ કોઇ નવી વાત નથી. ઇઝરાયેલમાં દરેક યુવાને ફરિજયાત આર્મીની ટ્રેનિંગ લેવી તેવો નિયમ છે. આર્મીની કડક ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ માનસિક શાંતિની શોધમાં તેઓ ભારત આવે છે. ઉપરાંત આર્મીની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તેમને ઇઝરાયેલની સરકાર બોનસ આપે છે જેને લીધે તેઓ એક લાંબી ટ્રીપ પ્લાન કરી શકે છે.
ભારતને ઇઝરાયેલની પ્રજા એક આધ્યાત્મિક તાકાત ધરાવતા દેશ તરીકે જુએ છે. યહુદીઓને એક પ્રકારનો વિશ્વાસ છે કે ભલે ભારતમાં લોકો અનેક ઇશ્વરને માનતા હોય પરંતુ ભારતીયો અને યહુદીઓની આધ્યાત્મિકતા સમાન છે. ઇઝરાયેલી યુવાનો ભારતના પ્રવાસને ‘સ્પિરિચ્યુઅલ ક્લિન્ઝીંગ’નું નામ આપે છે. મેડીટેશન સહિતની અનેક પ્રવૃત્તિઓ તેઓ કરતા હોય છે.
ઇઝરાયેલ અનેક આક્રમક દેશોથી ઘેરાયેલો છે. એવામાં લોકો ફરવા જવા માટે સેફ ટ્રાવેલ ઓપ્શન શોધતા હોય છે. દુનિયાના બીજા દેશોમાં યહુદીઓ સાથે ભેદભાવ હજુપણ રાખવામાં આવે છે. જ્યારે ભારતમાં તેમની સાથે કોઇ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. કસોલ, કાંગડા, મનાલી, ધર્મકોટ, વશિષ્ઠ જેવી પહાડી જગ્યાઓમાં રહેવાનો ખર્ચ ઘણો ઓછો હોય છે. ફરવા આવતા યુવાનો ક્યારેક એક આખા વર્ષ સુધી હિમાચલમાં રહી જતા હોય છે.
તો બીજી તરફ ઇઝરાયેલના યુવાધનને ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થોની ઉપલબ્ધતા પણ આકર્ષે છે. આ એક કડવી પણ વાસ્તવિકતા છે કે પહાડી વિસ્તારોમાં ડ્રગ્સની હેરફેર પણ સરળતાથી થતી હોય છે. ભાંગ, અફીણથી લઇને સિન્થેટીક ડ્રગ્સ પણ અહીં મળી આવે છે. કેટલાય સ્થાનિકોની રોજગારી ડ્રગ્સના ધંધાથી ચાલતી હોવાના લીધે કોઇ પ્રકારની ફરિયાદો થતી નથી.