કેમ સરકારે ગૂગલ અને મેટા જેવા સોશિયલ મીડિયાને નોટીસ મોકલી…
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ડીપફેક વિશે હાલમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડીપફેકના વધતા જતા મામલા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે આ રશ્મિકા મંદાનાની ડીપફેકની ઘટના બાદ કેન્દ્ર સરકારે મેટા અને ગૂગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ જારી કરી છે અને તમામ પ્લેટફોર્મ્સ પાસે જવાબ માંગ્યો હતો. આ ઉપરાંત સરકાર ટૂંક સમયમાં જ આ મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે ચર્ચા કરશે.
આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે 18 નવેમ્બરના રોજ જણાવ્યું હતું કે જો પ્લેટફોર્મ ડીપફેકને દૂર કરવા માટે પૂરતા પગલાં નહીં ભરે, તો તેમને IT એક્ટના સેફ હાર્બર ઇમ્યુનિટી ક્લોઝ હેઠળ રક્ષણ મળશે નહીં. ડીપફેક મુદ્દે જ સરકારે કંપનીઓને નોટિસ પાઠવી હતી અને દરેક પ્લેટફોર્મ્સને પોતાની રીતે જવાબ આપ્યો હતો. પરંતુ કંપનીઓએ આવી અશ્લીલ બાબતો સામે કંઇ રીતે પગલાં લઇ શકાય તે જણાવવાનું કહ્યું હતું.
અભિનેતા અને અભિનેત્રીઓને નિશાન બનાવતા કેટલાક ડીપફેક વિડીયો વાઇરલ થયા હતા, જેના કારણે આક્રોશ ફેલાયો હતો. 17 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચેતવણી આપી હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલ ડીપ ફેક્સ ભવિષ્યમાં એક મોટું સંકટ પેદા કરી શકે છે અને સમાજમાં અરાજકતા ફેલાવી શકે છે. આ ઉપરાંત તેમણે મીડિયાને તેના દુરુપયોગ વિશે જાગૃતિ લાવવા અને લોકોને શિક્ષિત કરવા વિનંતી કરી હતી.
નોંધનીય છે કે વીડિયોમાં વ્યક્તિના ચહેરા અથવા શરીરને ડિજિટલ રીતે બદલવાને ડીપફેક કહેવામાં આવે છે. જે બનાવવા માટે મશીન લર્નિંગ (ML) અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદ લેવામાં આવે છે.