કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટે આવી ટિપ્પણી કેમ કરી?
નવી દિલ્હી: દિલ્હી કોંગ્રેસે 2024ની ચૂંટણી માટે ઈવીએમમાં ગેરરીતિનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે દિલ્હી પ્રદેશ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની આ અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કોર્ટે કહ્યું હતું કે જો અમે આમા દખલ કરીશું તો ચૂંટણીઓ યોજવામાં મોડું થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની ‘પ્રથમ સ્તરની તપાસ’ માટેની દિલ્હી કોંગ્રેસની અરજીને ફગાવી દીધી હતી. આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીએ EVM અને વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ના પ્રથમ સ્તરની તપાસ અંગે રાજ્ય ચૂંટણી પંચની કાર્યવાહી સામે વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ સંપૂર્ણ સંતોષકારક પ્રક્રિયા છે અને પક્ષકારોને તેના પર વિશ્વાસ છે. તેમજ EVMથી વોટિંગની પ્રક્રિયા સમગ્ર ભારતમાં અપનાવવામાં આવી છે
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ પ્રક્રિયા ખૂબ જ વિગતવાર રીતે થાય છે અને તેની સંપૂર્ણ વિગત અમારી પાસે છે. તેમજ પક્ષકારોને ઈવીએમમાં વિશ્વાસ છે અને આખા ભારતમાં તેનું આજ રીતે વોટિંગ થાય છે. કોંગ્રેસે આ મુદ્દો લઈને ચૂંટણી પંચ પાસે જવું જોઈએ અમે આ મુદ્દામાં દખલ નહીં કરીએ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો અમે દખલગીરી કરીશું તો ચૂંટણીમાં વિલંબ થશે. કોર્ટના આવા નિવેદન બાદ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી હતી.
નોંધનીય છે કે આ અગાઉ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટી (DPCC)ના પ્રમુખ અનિલ કુમારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ભારતીય ચૂંટણી પંચ (ECI)ને તમામ ઈવીએમ અને VVPAT ની ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) કરવા જણાવ્યું હતું. રાષ્ટ્રીય કક્ષાએ 11 જિલ્લામાં મશીન ચેક કરવાની માંગણી કરતી અરજી કરી હતી જેની સુનવણી બાદ દિલ્હી હાઈકોર્ટે પણ તેને ફગાવી દીધી હતી.