રશિયા મુદ્દે ઉત્તર કોરિયાના સરમુખત્યારે શા માટે આપ્યું આ નિવેદન?
મોસ્કોઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન રશિયાના પ્રવાસ પર છે ત્યારે તાજેતરમાં કિમ જોંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત વખતે કિમ જોંગ ઉને યુક્રેનની સામે યુદ્ધ કરી રહેલા રશિયાનો ઉલ્લેખ કરીને પુતિન અને રશિયાને સંપૂર્ણ સમર્થન આપ્યું હોવાનું જણાવ્યું હતું.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક પૂર્વીય ક્ષેત્રમાં વોસ્ટોચની કોસ્મોડ્રોમ ખાતે થઈ હતી. બંને વચ્ચે લગભગ ચારથી પાંચ કલાક સુધી વાતચીત ચાલી હતી. કિમ જોંગે પુતિનને તેમના સુરક્ષા સંબંધિત હિતોના રક્ષણની લડાઈમાં તમામ સંભવિત સહયોગની ખાતરી આપી હતી. પ્યોંગયાંગ સામ્રાજ્યવાદ વિરોધી મોરચે હંમેશાં મોસ્કોની સાથે ઊભું રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.
ઐતિહાસિક પાસાઓ પર પ્રકાશ પાડતા વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન કિમ જોંગ ઉને કહ્યું હતું કે સોવિયેત સંઘે પોતાના દેશને સ્વતંત્ર કરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. અમારી મિત્રતાના મૂળ ઊંડા છે. હવે રશિયા સાથેના સંબંધોને મજબૂત કરવાની અમારી જવાબદારી છે અને આ દેશ માટે પ્રથમ પ્રાથમિકતા છે.
આ દરમિયાન પુતિને કિમને કહ્યું હતું કે હું તમને મળીને ખુશ છું. જવાબમાં કિમ જોંગે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને પુતિનનો આભાર માન્યો હતો. તે જ સમયે રોકેટ લોન્ચિંગમાં ઉત્તર કોરિયાને મદદ કરવા સંબંધિત એક પ્રશ્ન પર પુતિને કહ્યું હતું કે અમે આ જ કારણસર સ્પેસ સેન્ટરમાં બેઠક કરી રહ્યા છીએ.
ઉત્તર કોરિયાના નેતાઓને રોકેટ નિર્માણ ટેક્નોલોજીમાં રસ છે. અમારી પાસે ઘણું બધું છે અને અમે દરેક મુદ્દા પર ચર્ચા કરીશું. આ અગાઉ રશિયા અને ઉત્તર કોરિયાના પ્રમુખોની વચ્ચે 2019માં બેઠક યોજવામાં આવી હતી, જ્યારે કોરોના મહામારી પછી પહેલી વખત કિમ રશિયા પહોંચનારા નેતા છે.