નેશનલ

પાકિસ્તાને ભારતને પોતાના પરમાણુ હથિયારોની માહિતી કેમ આપી?

ઈસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાને આજે એટલે કે સોમવારે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં રાજદ્વારી ચેનલો દ્વારા બંને દેશો વચ્ચેના પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની યાદી એકબીજાને આપી હતી. આ બંને દેશો એકબીજા પર અચાનક કોઈ હુમલા ના કરે તે માટેના કરાર હેઠળ આ સૂચિની આપ-લે કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે આ કરાર 31 ડિસેમ્બર 1988ના રોજ થયો હતો અને તેને 27 જાન્યુઆરી 1991થી અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ ભારત અને પાકિસ્તાન દર વર્ષે કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1લી જાન્યુઆરીએ એકબીજા સાથે તેમના પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ વિશેની માહિતી એકબીજા સાથે શેર કરે છે. બંને દેશો વચ્ચે આ યાદીની આ સતત 33મી વાર આ રીતે એકબીજાને લિસ્ટ આપ્યું હતું. ભારત અને પાકિસ્તાને પહેલી વાર 1 જાન્યુઆરી 1992માં એકબીજા સાથે પરમાણુ વિશેની યાદી શેર કરી હતી.


પરમાણુ સ્થાપનોની યાદી સોંપતા પહેલા પાકિસ્તાને 27 ડિસેમ્બરે મિસાઈલ ફતેહ-2નું પરીક્ષણ કર્યું હતું. પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગે કહ્યું હતું કે આ રોકેટ સિસ્ટમ 400 કિલોમીટરના અંતર સુધીના કોઈ પણ લક્ષ્યને ઉચ્ચ ચોકસાઈ સાથે હિટ કરવામાં સક્ષમ છે. પરીક્ષણ સમયે સેનાના ત્રણેય ભાગોના વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો હાજર હતા.

પાકિસ્તાને બેલેસ્ટિક મિસાઈલ વેપન સિસ્ટમ ‘અબાબીલ’ના ફ્લાઇટ ટેસ્ટના એક સપ્તાહ બાદ ઓક્ટોબરના અંતમાં ‘ગૌરી’ શસ્ત્ર પ્રણાલીનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું હતું. ઓગસ્ટ 2021માં પાકિસ્તાને સ્વદેશી ફતેહ-1 રોકેટ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.


પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયારોની માહિતી એવા સમયે શેર કરી છે જ્યારે ત્યાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. પાકિસ્તાનના રિટર્નિંગ ઓફિસર્સએ રાષ્ટ્રીય અને પ્રાંતીય સ્તરે ચૂંટણી લડવા માંગતા ઓછામાં ઓછા 3,240 ઉમેદવારોના નામાંકન પત્રોને ફગાવી દીધા હતા. તેમજ પાકિસ્તાનના મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનના ચૂંટણી પંચએ જણાવ્યું હતું કે 1,024 ઉમેદવારો માંથી 934 પુરૂષો અને 90 મહિલાઓને નેશનલ એસેમ્બલીની ચૂંટણી લડવાની પાત્રતા નકારી કાઢવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button