Top Newsનેશનલ

બિહારમાં 20 વર્ષ સુધી પોતાની પાસે રાખેલો ગૃહ વિભાગ નીતિશે કેમ છોડ્યો? જાણો સત્તાના સમીકરણ…

પટણા: બિહારમાં લગભગ બે દાયકાના લાંબા ગાળા પછી પહેલીવાર ગૃહ વિભાગનું મહત્ત્વનું મંત્રાલય ભારતીય જનતા પાર્ટી (BJP)ના ખાતામાં આવ્યું છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે શુક્રવારે મંત્રાલયોની વહેંચણી કરતા ગૃહ વિભાગ પોતાના નાયબ મુખ્ય પ્રધાન અને BJP નેતા સમ્રાટ ચૌધરીને સોંપી દીધો છે. આના બદલામાં JD(U)ને નાણાં વિભાગ અને વાણિજ્ય કર વિભાગ મળ્યા છે, જે અગાઉ BJP પાસે હતા.

ગૃહ વિભાગ જેવું મહત્ત્વપૂર્ણ મંત્રાલય BJPને સોંપવું એ NDA ગઠબંધન હેઠળના બદલાતા રાજકીય સમીકરણોનો સ્પષ્ટ સંકેત છે. વિધાનસભામાં 89 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી હોવાના કારણે હવે BJP રાજ્યની કાયદા-વ્યવસ્થાની નીતિમાં મુખ્ય ભૂમિકા ભજવશે. નિષ્ણાતો માને છે કે આ ફેરફાર માત્ર વિભાગીય વહેંચણી કરતાં ઘણો વધુ મહત્ત્વનો છે – તે બિહારની કાયદા-વ્યવસ્થા, રાજકીય સ્થિરતા અને ભવિષ્યની સત્તાની દોડ પર અસર કરનારો છે.

નીતીશનો 20 વર્ષનો મજબૂત ગઢ BJPને મળ્યો
2005માં સત્તા સંભાળ્યા બાદ નીતીશ કુમારે તેમના દરેક કાર્યકાળમાં ગૃહ વિભાગ પોતાની પાસે જ રાખ્યો હતો. આ વિભાગ રાજ્ય પોલીસ, ગુપ્તચર તંત્ર અને કાયદા-વ્યવસ્થાનું કેન્દ્ર છે, અને મુખ્ય પ્રધાન માટે તે તાજ સમાન ગણાય છે. છેલ્લા બે દાયકામાં તેમનું ગઠબંધન ગમે તે પક્ષ સાથે રહ્યું હોય, તેમણે ગૃહ વિભાગ હંમેશા પોતાની પાસે જ રાખ્યો હતો. 2020માં JD(U)ની બેઠકો ઘટીને 43 થઈ ગઈ હતી, ત્યારે પણ નીતીશે આ વિભાગ છોડ્યો નહોતો.

હવે પહેલીવાર આ વિભાગ BJP પાસે આવ્યો છે, જે રાજ્યની રાજનીતિમાં એક મોટો અને અસામાન્ય બદલાવ માનવામાં આવે છે. જોકે, નીતીશ કુમાર સામાન્ય વહીવટ, તકેદારી, કેબિનેટ સચિવાલય અને ચૂંટણી સહિતના પોતાના અન્ય મહત્ત્વના વિભાગો પોતાની પાસે જાળવી રાખશે.

આ પણ વાંચો…બિહારમાં મોટું પરિવર્તન: નીતીશ કુમારે ગૃહ વિભાગ છોડ્યું, સમ્રાટ ચૌધરી નવા ગૃહ પ્રધાન…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button