નેશનલ

‘ચિકન નેક’ કોરિડોર પર ખતરો? ભારતે બાંગ્લાદેશ સરહદે 3 નવી સૈન્ય ચોકી કેમ બનાવી?

બાંગ્લાદેશની બદલાયેલી નીતિઓ અને સુરક્ષા માટે ભારતે ભર્યું મહત્ત્વનું વ્યૂહાત્મક પગલું

નવી દિલ્હી: ભારતના તેના પડોશી દેશ સાથે સબંધો બદલાઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ થયેલા આંદોલન અને બાદમાં થયેલા તખતા પલટ બાદ બાંગલાદેશની કમાન મોહમ્મદ યુનુસની નેતૃત્ત્વવાળી વચગાળાની સરકારના હાથમાં છે. ત્યારે સબંધોના ઉતારચઢાવની વચ્ચે ભારતે બાંગલાદેશ બોર્ડર પર ત્રણ નવી સૈન્ય ચોકી બનાવીને સુરક્ષાની દૃષ્ટિએ વ્યૂહાત્મક પગલું ભર્યું છે.

આ ચોકીઓ બમુની, કિશનગંજ અને ચોપડામાં છે, આ સૈન્ય ચોકીઓનો ઉદ્દેશ સરહદ પર નબળા સ્થળોને મજબૂત કરી અને નિયંત્રણ વધારીને સિલિગુડી કોરિડોરની રક્ષા કરવાની છે. આ કોરિડોરને ચિકન નેક પણ કહેવામા આવે છે. “સિલિગુડી કોરિડોર’ને ‘ચિકન નેક’ (Chicken Neck) કહેવામાં આવે છે.

‘ચિકન નેક’ તરીકે ઓળખાતો આ ‘સિલિગુડી કૉરિડોર’ નોર્થ-ઇસ્ટ એટલે કે પૂર્વોત્તર ભારતનો એક અતિમહત્ત્વપૂર્ણ ભાગ છે. નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશ એમ ત્રણ દેશો સાથે સીમાડા વહેંચતો આ પટ્ટો ચીનથી સાવ નજીક હોવાના કારણે તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય. આ ભાગ પૂર્વોત્તર ભારતનાં 7 રાજ્યને ભારત સાથે જોડવાનું કામ કરે છે. એટલે તમારે પૂર્વોત્તર જવું હોય કે પૂર્વોત્તરથી આ તરફ આવવું હોય તો સડકમાર્ગ આ એક જ વિકલ્પ છે.

“બાંગ્લાદેશના વચગાળાના સલાહકાર મુહમ્મદ યુનુસે પાકિસ્તાનના જનરલ સાહિર શમશાદ મિર્ઝા સાથે મુલાકાત કરી હતી, જેમાં કનેક્ટિવિટી અને સંરક્ષણ સંબંધો પર ચર્ચા થઈ હતી. શેખ હસીનાના રાજીનામા પછી યુનુસે ચીનને રોકાણનો પ્રસ્તાવ આપ્યો અને પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની વાત કરી હતી.”

ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર આ સિલિગુડી પર કબજો કરવાની કાવતરાનો ભાગ હોઈ શકે છે. પરંતુ ભારતની સેના કહે છે કે આ અમારો સૌથી મજબૂત વિસ્તાર છે. સેના પ્રમુખે કહ્યું કે ‘ચિકન નેક’ નબળી નહીં, પરંતુ સૌથી મજબૂત કડી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તરની સંપૂર્ણ શક્તિ અહીં એકઠી થઈ શકે છે.”

ઉલ્લેખનીય છે કે બાંગલાદેશમાં શેખ હસીનાના રાજીનામા બાદ મોહમ્મદ યુનુસએ સત્તા સંભાળી ત્યારથી જ તેની નીતિઓ બદલી ગઈ હતી. ચીન સાથે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) હેઠળ વધુ નિકટતા આવી. પાકિસ્તાન સાથેના જૂના સંબંધો ફરી જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

યુનુસનો ચીનને આપેલો પ્રસ્તાવ ભારતના હિતોની વિરુદ્ધ લાગે છે. ભારત આ બધા પર નજર રાખી રહ્યું છે. પહલગામમાં નિર્દોષ 26 લોકોની હત્યા કર્યા પછી ભારતના પાકિસ્તાન સાથે સંબંધો વણસ્યા હતા, જ્યારે શેખ હસીનાએ ભારતનું શરણું લીધા પછી યુનુસ સરકારના પેટમાં તેલ રેડાયું છે ત્યારે ભારતીય આર્મીએ બોર્ડર પર ત્રણ નવી ચોકીનું નિર્માણ કરીને સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વનું પગલું ભર્યું છે.

આ પણ વાંચો…કોર્ટે ગેરકાયદે વસવાટ બદલ ત્રણ બાંગ્લાદેશીને દોષી ઠેરવ્યા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button