નેશનલ

ભારતના આ પ્રધાનની એલન મસ્કે કેમ માફી માગી, જાણો હકીકત?

કેલિફોર્નિયા: ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ મંગળવારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ફ્રેમોન્ટમાં ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાના મેનુફેક્ચરિંગ કારખાનામાં પહોંચ્યા હતા. અહીંની મુલકાતમાં તેમણે ટેસ્લાની ભારતમાં ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. પીયૂષ ગોયલ આ ફેક્ટરીમાં ભારતીય મૂળના એન્જિનિયર્સ અને નાણાકીય વ્યાવસાયિકોને મળ્યા હતા. પણ ટેસ્લાના માલિક એલન મસ્ક આ મુલાકાત દરમિયાન હાજર રહી શકયા નહોતા.
એલન મસ્કની તબિયત ખરાબ હોવાને કારણે બંને વચ્ચે મુલાકાત થઈ શકી નહીં. ટેસ્લા ફેક્ટરીની મુલાકાત અંગે પીયૂષ ગોયલે એક્સ પર પોસ્ટ કરી હતી. પીયૂષ ગોયલની આ પોસ્ટ પર એલન મસ્કે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હું ભારતના પ્રધાનની મુલાકાતથી સન્માનિત અનુભવ કરી રહ્યો છું અને હું ભવિષ્યમાં પિયુષ ગોયલને મળવા માટે ઉત્સુક છું.
ટેસ્લાની ફેક્ટરીની તસવીરો પીયૂષ ગોયલે શેર કરી હતી. તેમણે કહ્યું હતું ફ્રેમોન્ટ, કેલિફોર્નિયામાં ટેસ્લાની અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી. પ્રતિભાશાળી ભારતીય એન્જિનિયરો અને ફાઇનાન્સ પ્રોફેશનલ્સને વરિષ્ઠ હોદ્દા પર કામ કરતા અને ટેસ્લાની અદ્ભુત યાત્રાનો ભાગ બની તમને યોગદાન આપતા જોઈને આનંદ થયો. ટેસ્લા ઇવી સપ્લાય ચેઇનમાં ભારતીય ઓટો કમ્પોનન્ટ સપ્લાયર્સનું વધતું મહત્વ જોઈને હું ગર્વ અનુભવું છું. ટેસ્લા ભારતમાંથી પોતાના ઘટકોની આયાતને બમણી કરવાના માર્ગ પર છે. તેમણે એલન મસ્કને ટેગ કરીને લખ્યું કે મસ્કની જાદુઈ હાજરી ન અનુભવી અને હું તેમના જલ્દી સ્વસ્થ થવાની ઈચ્છા વ્યક્ત કરું છું.
પીયૂષ ગોયલની પોસ્ટ પર રીટ્વીટ કરતાં મસ્કે લખ્યું હતું કે તમે ટેસ્લાની મુલાકાત લીધી તે મારી માટે સન્માનની વાત છે. હું આજે કેલિફોર્નિયા હાજર ન રહી શક્યો તે બદલ માફી માંગુ છું, પરંતુ હું તમને ભવિષ્યમાં મળવા માટે આતુર છું.
સૂત્રોએ આપેલી મુજબ ટેસ્લા ભારતમાં પોતાની ફેક્ટરી સ્થાપવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ ફેક્ટરી ભારતમાં આવ્યા બાદ અહીં અંદાજે 19,96,189 રૂપિયામાં કારનું ઉત્પાદન કરવામાં આવશે. ગોયલની આ મુલાકાત ટેસ્લાને ભારતમાં લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માહિતી મુજબ ભારત સરકાર ટેસ્લાને ભારતમાં ફેક્ટરી સ્થાપવા માટે કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવાની યોજના બનાવી રહ્યું છે. પીયૂષ ગોયલે સપ્ટેમ્બરમાં આ બાબતે કહ્યું હતું કે ટેસ્લા આ વર્ષે ભારતમાંથી લગભગ 158.03 બિલિયન મૂલ્યના કમ્પોનન્ટ ખરીદવા જઈ રહી છે.
એલન મસ્કે કહ્યું હતું કે જો ટેસ્લા ભારતમાં આયાતી વાહનોના વેચાણમાં સફળ થાય છે, તો ટેસ્લા ભારતમાં જ પોતાની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી શરૂ કરી શકે છે. મસ્કે કહ્યું હતું કે ટેસ્લા ભારતમાં તેના વાહનો લોન્ચ કરવા માંગે છે, પણ ભારતમાં આયાત ટેક્સ દુનિયાના બાકી દેશો કરતાં ખુબજ વધારે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button