અખિલેશ યાદવને વળી આ શું સૂઝયું બે વર્ષ પહેલાના ગુજરાત બોર્ડના પરિણામોની વાત અખિલેશ યાદવે હવે કેમ કરી?

લખનઉઃ સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે અને ભાજપને ટોણા મારતી ટ્વીટ કરતા રહેતા હોય છે, પરંતુ તેણે આજે કરેલી ટ્વીટમાં નવાઈની વાત એ છે કે જે ઘટના બે વર્ષ પહેલા બની છે તેને લઈ તેમણે ગુજરાત મોડેલ અને મોદી સરકાર તેમ જ ભાજપ પર ટીકાસ્ત્ર ચલાવ્યું છે.
અખિલેશ યાદવે એક ટ્વીટ કરી છે અને તેમાં ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડનો ઉલ્લેખ છે. નવાઈની વાત એ છે કે તેણે જે 10મા બોર્ડની પરીક્ષાના પરિણામોની વાત કરી છે તે વર્ષ 2023ના છે.

શું કહ્યું અખિલેશ યાદવે
અખિલેશે ટ્વીટ કરી કહ્યું છે કે ગુજરાત બોર્ડની દસમાની પરીક્ષામાં 157 સ્કૂલમાંથી એકપણ બાળક પાસ થયું નથી. આ છે ગુજરાત મોડેલ, ગુજરાત મોડેલ જ ફેલ ગયું છે.
તેની પોસ્ટને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ સમર્થન આપ્યું અને જણાવ્યું કે આ ગુજરાત મોડેલ છે અને આ જ તેમની ડબલ એન્જિન સરકાર છે.
આપણ વાંચો: સરપંચ પતિની જેમ મુખ્ય પ્રધાન પતિ? આતિશીએ દિલ્હીનાં મુખ્ય પ્રધાન પર કર્યા આક્ષેપો
બે વર્ષ પહેલાનું પરિણામ
ગુજરાતમાં ધોરણ ૧૦નું પરિણામ ૨૦૨૩માં જાહેર થયું હતું. તે સમયે રાજ્યમાં ગુજરાત બોર્ડ ધોરણ ૧૦નું કુલ પાસ થવાનું પ્રમાણ ૬૪.૬૨ ટકા હતું. જ્યારે દાહોદ માત્ર ૪૦.૭૫ ટકા પાસ થવા સાથે યાદીમાં સૌથી નીચે હતું.
જ્યારે ૧૫૭ શાળાઓમાં એક પણ બાળક પાસ થઈ શક્યું ન હતું. એક અહેવાલ મુજબ, પુનઃપરીક્ષા આપનારા ૧,૬૫,૬૯૦ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૨૭,૪૪૬ જ પાસ થયા. તે સમયે આ પરિણામ અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. બે વર્ષ પછી, આ પરિણામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જે ગુજરાત મોડેલ પર પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. હજુ સુધી આ મામલે ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પણ અખિલેશે આવી પોસ્ટ શા માટે કરી તે મોટો સવાલ છે.