નવી દિલ્હી/હૈદરાબાદઃ કેન્દ્ર સરકારે પૂર્વ વડા પ્રધાન પીવી નરસિંહ રાવ (PV Narsimha Rao)ને દેશના સૌથી સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’ (BHARAT RATNA)થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. રાવ આઠ વખત ચૂંટણી જીત્યા હતા અને કોંગ્રેસ પાર્ટીમાં પચાસ વર્ષથી વધુ સમય વીતાવ્યા પછી ભારતના વડા પ્રધાન બન્યા હતા. તેમની સુધારાવાદી નીતિને કારણે તેમને ‘ચાણક્ય’ કહેવાતા. ભારતને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે આર્થિક ઉદારીકરણના જનક કહેવાતા. રાવ દસ ભાષામાં વાતચીત કરવાની સાથે એનો અનુવાદ પણ કરી શકતા હતા.
પીવી નરસિંહ રાવનું નામ પામુલાપાર્ટી વેંકટ નરસિંહ રાવ હતું. 28 જૂન, 1921ના જન્મેલા રાવનું 23 ડિસેમ્બર, 2004માં નિધન થયું હતું. ભારતની વિવિધ ભાષા જાણવાની સાથે ફ્રેન્ચ, સ્પેનિશ ભાષા પણ જાણતા હતા. પીવી નરસિંહ રાવના ત્રણ દીકરા અને પાંચ દીકરી છે. વ્યવસાયે કૃષિ નિષ્ણાત સહિત વકીલ રહી ચૂકેલા રાવે મહત્ત્વપૂર્ણ વિભાગમાં પણ કામ કર્યું હતું.
‘ભારત રત્ન’ માટે નરસિંહ રાવની પસંદગી કરવામાં આવતા તેમના પરિવારના સભ્યોએ ખુશી વ્યક્ત કરી હતી. રાવની દીકરી વાણી રાવે કહ્યું હતું કે આ ખુશીની પળ છે. વાસ્તવમાં બહુ પહેલા આમ થવું જોઈતું હતું, પરંતુ કહેવાય છે ને ભગવાન કે ઘર દેર હૈ, લેકિન અંધેર નહીં. વાણી રાવે કહ્યું હતું કે બહુ આનંદની વાત છે, તેનાથી આખુ તેલંગણા રાજ્ય ખુશ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો હું આભાર માનીશ. આ સરકારની સૌથી મોટી વાત એ છે કે લોકો તમને ગમે ત્યાં રાખે પણ એમને લાઈમલાઈટમાં લાવવાનું શ્રેય મોદી સરકારને જાય છે અને એમનું સન્માન કરવું એ મોદીજીની મહાનતા છે, એમ વાણી રાવે જણાવ્યું હતું.
1962થી 1971 સુધી આંધ્ર પ્રદેશના મજબૂત નેતા તરીકે ઊભરી આવ્યા હતા, જ્યારે 1971થી 1973 સુધી આંધ્રના મુખ્ય પ્રધાન પણ રહ્યા હતા. ઈન્દિરા ગાંધીની કટોકટી વખતે રાવે ઈન્દિરાજીને મજબૂત સમર્થન આપ્યું હતું.
1980થી 1984 સુધી દેશના વિદેશ પ્રધાન તરીકે પણ સેવા આપી હતી. પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહના કાર્યકાળમાં પણ રાવે નાણા પ્રધાન તરીકે સેવા આપી હતી. રાવના કાર્યકાળમાં વૈજ્ઞાનિક ડો. એપીજી અબ્દુલ કલામે પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
પીવી નરસિંહ રાવ (PV Narsimha Rao) દેશના નવમા વડા પ્રધાન હતા. દેશમાં આર્થિક સુધારાના જનક ગણાતા રાવ રાજકારણ સિવાય આર્ટસ, મ્યુઝિક અને સાહિત્ય સહિત અન્ય ક્ષેત્રના અભ્યાસુ હતા, જ્યારે 10થી વધુ ભાષા જાણતા હતા, જ્યારે વિદેશી ભાષા પણ બોલતા અને જાણતા હતા.
સૌથી મોટી વાત એ હતી કે 24 જુલાઈ, 1991માં રાવની સરકારે સૌથી પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે લાઈસન્સ-પરિમટ રાજને બંધ કર્યું હતું. 1991થી 92ની વચ્ચે સૌથી મોટા સુધારા કર્યા હતા. અહીં તમારી જાણ ખાતર જણાવીએ કે પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યા પછી આર્થિક કટોકટીના સંજોગોમાં રાવે દેશનું સુકાન સંભાળ્યું હતું. સરકારને ચલાવવા માટે તેમના પર અનેક આરોપો પણ મૂકવામાં આવ્યા હતા. આજે જે અર્થવ્યવસ્થાની વકીલાત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કરે છે, તેની શરુઆત રાવે કરી હતી.
પીએમ નરેન્દ્ર મોદીની સરકારે 10 વર્ષમાં પૂર્વ યુપીએની સરકારની તુલનામાં ત્રણ ગણા વધુ ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે, તેમાંય વળી કોંગ્રેસના શાસનમાં હાંસિયામાં ધકેલી દેનારા પણ ભારતને આર્થિક સંકટમાંથી ઉગારનારા પૂર્વ પીએમ નરસિંહ રાવને ભારત રત્ન આપવાની જાહેરાત કરીને કોંગ્રેસ પાર્ટીને પણ ચોંકાવી છે, જ્યારે તેલંગણા સહિત આંધ્ર પ્રદેશના લોકોએ આ નિર્ણયને વધાવ્યો હતો.