નૂતન વર્ષનાં પ્રથમ દિવસે કેમ ધરવામાં આવે છે અન્નકૂટ? શું છે તેનું મહત્વ?
દિવાળીના બીજા દિવસે અને વિક્રમ સવંતના પ્રથમ દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ, ગોવર્ધન પર્વત અને ગાયોની પૂજા કરવાનું ખૂબ મહત્વ છે. એટલું જ નહીં, આ દિવસે 56 કે 108 પ્રકારની વાનગીઓ બનાવીને શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવે છે, જેને ‘અન્નકુટ’ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વ્રજના લોકોની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની દૈવી શક્તિથી વિશાળ ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળીમાં ઉપાડીને ભગવાન ઈન્દ્રના પ્રકોપથી હજારો પ્રાણીઓ અને મનુષ્યોના જીવ બચાવ્યા હતા. તે દિવસથી જ ગોવર્ધન પૂજા શરૂ થઈ. તેને અન્નકૂટ ઉત્સવ પણ કહેવાય છે. આજે ગામના નાનામાં નાના ઠાકર મંદિરથી લઈને દ્વારકા, શામળાજી, ડાકોર સહિતનાં યાત્રાધામોમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે.
શું છે અન્નકૂટ?
આજના દિવસે ભગવાનને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને પૂજા કરવાની પરંપરા છે. અન્નકૂટ એટલે અનાજનો સમૂહ. ભક્તો ભગવાન કૃષ્ણને વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ અર્પણ કરે છે. ગોવર્ધન પૂજાના દિવસે તૈયાર કરવામાં આવતા અન્નકુટમાં અનેક શાકભાજીને એકસાથે ભેળવીને મિશ્ર સબ્જી અને કઢી, ભાત, પુરી વગેરે બનાવવામાં આવે છે. આ પછી થાળને ભગવાન કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે અને પછી પ્રસાદના રૂપમાં ભક્તોમાં વહેંચવામાં આવે છે.
આ પણ વાંચો: કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણનું વિરાટ ક્ષેત્રધર્મક્ષેત્ર – કુરુક્ષેત્ર
અન્નકૂટ સાથે જોડાયેલી છે કથા:
કથા અનુસાર, ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતની નીચે વૃંદાવનના સમગ્ર લોકોને દેવરાજ ઈન્દ્રના ક્રોધથી થતા ભારે વરસાદથી બચાવ્યા હતા. ત્યારબાદ કૃષ્ણએ લોકોને પર્વતો અને પ્રકૃતિમાંથી મેળવેલી વસ્તુઓના મહત્વને શીખવવા અને તેમના પ્રત્યે આદર દર્શાવવા માટે ગોવર્ધન પૂજા શરૂ કરી, તેથી દર વર્ષે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. જેમાં લોકો ગાયના છાણ અને આખા અનાજમાંથી ભગવાન કૃષ્ણ અને ગોવર્ધન પર્વતનાં પ્રતિક બનાવીને પૂજા કરે છે અને પ્રકૃતિમાં મળતી વસ્તુઓમાંથી અન્નકૂટ બનાવવામાં આવે છે અને તે ભગવાનને અર્પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: બાણાસુર વધ: શ્રીકૃષ્ણ ને શિવ ભગવાન વચ્ચે થયું ભયાનક યુદ્ધ
ગોવર્ધન પૂજાનું સનાતન ધર્મના ખૂબ જ આગવું મહત્વ રહેલું છે, આ પર્વમાં ભગવાન કૃષ્ણ અને તેમને પ્રિય એવી ગાયની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત, અન્ય ઘણી જગ્યાએ પણ આ પૂજા પરિવારના સુખ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. પૂજામાં લાલાજીને શણગારવામાં આવે છે અને શુભ મુર્હૂતમાં તેની પૂજા કરવામાં આવે છે. ભક્તો પોતાની મનોકામનાઓ ભગવાન કૃષ્ણ સામે વ્યકત કરે છે.