નેશનલ

‘It hurts’ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા મામલે આખી દુનિયામાં અવાજ ઉઠ્યા પણ ભારતનો વિપક્ષ….

બાંગ્લાદેશમાં સરકારના પતન અને નવી રખેવાળ સરકારની રચના બાદ પણ હિંસાની આગ ઠરી નથી. લઘુમતિઓ પરના અત્યાચાર, હિંસા, હત્યા, લૂંટફાટ ચાલુ જ છે. વિશ્વભરના નેતાઓ બાંગ્લાદેશની અશાંત પરિસ્થિત પર ચિંતા જતાવી ચૂક્યા છે અને દેશની વચગાળાની સરકારને લઘુમતિઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સે બાંગ્લાદેશમાં ધાર્મિક અને રાજકીય જૂથોના સભ્યો પર સતત હુમલા સહિત તમામ પ્રકારની હિંસા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે દેશની નવી સરકાર માટે આવી તમામ ઘટનાઓની વિશ્વસનીય તપાસ કરવી અને પીડિતોને ન્યાય અપાવવો મહત્વપૂર્ણ રહેશે. ભાજપના નેતાઓએ અને ખાસ કરીને વડા પ્રધાન મોદી પણ બાંગ્લાદેશના વડાને લઘુમતીઓની સુરક્ષા કરવા જણાવી ચૂક્યા છે, પણ ભારતનો વિપક્ષ ચૂપ છે.

નોકરીઓમાં વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમ અંગે રમખાણો અને હિંસાચાર થતાં બાંગ્લાદેશના શેખ હસીનાને વડા પ્રધાન પદ છોડી દેશમાંથી ભાગી જવાની ફરજ પડી હતી. બાંગ્લાદેશમાં હવે વચગાળાની સરકાર આવી ગઇ છે, તેમ છતાં લઘુમતિઓ અને અલ્પસંખ્યકો પરના અત્યાચાર પૂરા થવાનું નામ નથી લઇ રહ્યા. આ મુદ્દે દુનિયાભરના નેતાઓએ ચિંતા જતાવી છે. સંયુક્ત રાષ્ટ્ર સમિતિએ પણ બાંગ્લાદેશમાં લઘુમતિઓની થઇ રહેલી હત્યાનો મુદ્દો ધ્યાનમાં લીધો છે. વિશ્વના કોઇ પણ ખૂણે જ્યારે જાતિ આધારિત હિંસા થાય છે ત્યારે ભારતે અવાજ ઉઠાવ્યો છે. ભારતના વડા પ્રધાન મોદીએ પણ રખેવાળ સરકારના વડા પ્રો. મોહમ્મદ યુનુસને અભિનંદન આપતા સંદેશામાં બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર થયેલા હુમલા સામે અવાજ ઉઠાવતા મોહમ્મદ યુનુસને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો : ભાજપ સાંસદે બાંગ્લાદેશના મુદ્દે વિપક્ષી નેતાઓના મૌન પર ઉઠાવ્યા સવાલ

ગાઝા એર સ્ટ્રાઈકમાં મુસ્લિમ સમુદાયના લોકો માર્યા ગયા ત્યારે ખુલ્લેઆમ વિરોધ કરનારા રાહુલ ગાંધી બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો વિશે કંઇ બોલવા તૈયાર નથી. ચૂંટણી દરમિયાન મંદિરોમાં જતા, સોફ્ટ હિંદુત્વ દર્શાવતા રાહુલ ગાંધી બાંગ્લાદેશમાં હિંસા પર શહામૃગની જેમ મોઢું છુપાવીને બેસી ગયા છે. કોંગ્રેસના તમામ નેતાઓએ પણ એના વિરોધમાં એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. રાહુલ ગાંધી તો ઠીક પણ AAPના નેતાઓ, ઝારખંડના હેમંત સોરેન, પ. બંગાળની મમતા દીદી, મહારાષ્ટ્રના ઉદ્ધ ઠાકરે અને શરદ પવાર તમિલનાડુના સ્ટાલિન, કેરળના વિજયન…. વગેરે નેતાઓએ બાંગ્લાદેશની હિંદું હિંસા પર ચૂપકીદી સેવી છે. આરજેડીના તેજસ્વી યાદવે પણ હિંદુ સન્માન વિશે હરફ ઉચ્ચાર્યો નથી.

ભારતના લગભગ તમામ બિનસાંપ્રદાયિક પક્ષો પેલેસ્ટાઇન- ઇઝરાયલ કે મણીપુરની હિંસાની નિંદા કરે છે પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુઓ સામેની હિંસા પર મૌન રહીને આરોપીના પિંજરામાં તો આવી જ જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button