Jharkhandમાં કોની બનશે સરકાર ? ભાજપ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ આપ્યું આ નિવેદન
રાંચીઃ ઝારખંડમાં(Jharkhand)વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડના ભાજપ પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે આ વખતે રાજ્યમાં ભાજપની સરકાર બનશે અને અમે 51 બેઠકો સાથે સરકાર બનાવીશું. જ્યારે મરાંડીને પૂછવામાં આવ્યું કે, જો સીટો આવશે તો શું તમે સીએમ બનશો? તેના પર મરાંડીએ કહ્યું કે મારી કોઈ મહત્વકાંક્ષા નથી. પાર્ટી જે કહે તે હું કરીશ. મરાંડીને પૂછવામાં આવ્યું કે, જો ચંપાઈ સોરેનને સીએમ બનાવવામાં આવે તો શું તમે સહમત થશો? તેના પર મરાંડીએ કહ્યું કે પાર્ટી કોઈને પણ સીએમ બનાવી શકે છે.
બાંગ્લાદેશની ઘૂસણખોરી પર પણ નિવેદન આપ્યું
મરાંડીએ બાંગ્લાદેશની ઘૂસણખોરી પર પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આજે હું જોઈ રહ્યો હતો કે હવે મુંબઈમાં પણ તેમની વસ્તી વધી છે. ઘૂસણખોરીના કારણે સાંથલ વિસ્તારની આખી ડેમોગ્રાફી બદલાઈ ગઈ છે. મરાંડીએ કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ પર પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્રીય એજન્સી પોતાનું કામ કરી રહી છે. માત્ર રાજકીય હરીફાઈના કારણે આવું થઈ રહ્યું છે તે કહેવું ખોટું છે. હેમંત સરકાર આદિવાસી વિરોધી સરકાર છે.
ઝારખંડમાં ચૂંટણી ક્યારે?
ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23 નવેમ્બરે જ આવશે. ઝારખંડમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. ઝારખંડમાં વિધાનસભાની 81 બેઠકો છે. છેલ્લી ચૂંટણીઓમાં, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) 30 બેઠકો જીતી હતી અને ભાજપે 25 બેઠકો જીતી હતી, જ્યારે 26 બેઠકો અન્ય પક્ષોને ગઈ હતી. જેએમએમ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી.
કોણ છે બાબુલાલ મરાંડી ?
બાબુલાલ મરાંડી ધનવર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. ધનવર એ ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં એક વિધાનસભા મત વિસ્તાર છે. તે કોડરમા લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. આ સીટના ધારાસભ્ય ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડી છે. જે ઝારખંડના પહેલા મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. આ વિસ્તાર બાબુલાલ મરાંડીનું હોમ ટાઉન છે.
બાબુલાલ મરાંડી 2019ની વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ વિકાસ મોરચાના અધ્યક્ષ હતા. તેઓ ઝારખંડ વિકાસ મોરચાની ટિકિટ પર ધનવરથી ચૂંટણી જીત્યા હતા. બાદમાં ફેબ્રુઆરી 2020માં બાબુલાલ મરાંડી ભાજપમાં જોડાયા. આ દરમિયાન તેમણે પોતાના પક્ષ ઝારખંડ વિકાસ મોરચાને ભાજપમાં વિલય કર્યો. આ પૂર્વે વર્ષ 2006માં બાબુલાલ મરાંડીએ ભાજપમાં મતભેદો બાદ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું અને ઝારખંડ વિકાસ મોરચાની રચના કરીને અલગ પક્ષ બનાવ્યો.