ભાજપ શાસિત રાજ્યમાં 18 વર્ષની લેડી ટીચરની ગળું કાપીને હત્યા, સરકારે લીધાં શું પગલાં ?

ચંદીગઢઃ પશ્ચિમ બંગાળમાં બનતી મહિલા અત્યાચારની ઘટનાઓ સમયે જે ભાજપ મહિલા નેતાઓ આંદોલનો કરે છે અને સૂત્રોચ્ચાર કરે અને મમતા સરકારને બાનમાં લેવાની કોશિશ કરે છે તે જ ભાજપશાસિત હરિયાણામાં એક માત્ર 18 વર્ષની યુવતીની ગળું ચીરી કરપીણ હત્યા કરવામાં આવી છે, પરંતુ સરકાર શું કરી રહી છે તેની ખબર નથી.
હરિયાણાના ભિવાની જિલ્લાની આ ઘટના છે. અહીંના લોહારુ કસ્બામાં સિંઘાની ગામમાં એક ખાનગી સ્કૂલમાં ભણાવતી યુવતીની ગળું ચિરીને હત્યા કરવામાં આવી છે. યુવતીનાં માતા-પિતા અને પરિવારના જણાવ્યા અનુસાર સ્કૂલના સંચાલકો આ હત્યા પાછળ જવાબદાર છે.
બે દિવસ પહેલા યુવતી થઈ હતી ગૂમ
પરિવારના જણાવ્યા અનુસાર મનીષા બે દિવસથી ગૂમ હતી. તેમણે જ્યારે સ્કૂલનો સંપર્ક સાધ્યો ત્યારે તેમના તમરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. આ સાથે લોહારુના ડીએસપી દલીપ સિંહે જણાવ્યું હતું કે મનીષા બે દિવસથી ગુમ હતી. ૧૧ ઓગસ્ટે તેનો ગુમ થવાનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ડીએસપીએ જણાવ્યું હતું કે હત્યાના કારણો શોધવા અને હત્યારાને પકડવા માટે પાંચ ટીમો બનાવવામાં આવી છે. બીજી તરફ, બે દિવસથી ગુમ થયેલી મનીષાની આ ક્રૂર હત્યા પરિવાર અને પોલીસ માટે રહસ્યમય છે.
ગ્રામવાસીઓએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો
મનીષાને પરિવાર શોધતો હતો ત્યારે આજે સવારે લોહારુ શહેરના સિંઘાણી ગામની નહેર પાસે ખેતરોમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ. આ યુવતીનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચ્યું અને જાણવા મળ્યું કે મૃતક બાજુના ધાની લક્ષ્મણ ગામની રહેવાસી હતી. જે સિંઘાણી ગામની એક ખાનગી શાળામાં ટીચર તરીકે ફરજ બજાવતી હતી. પરિવારનું એમ પણ કહેવાનું છે કે તેઓ જ્યારે સ્કૂલે પૂછવા ગયા ત્યારે કોઈએ જવાબ ન આપ્યો અને અમુક લોકો દારૂના નશામાં હતા.
માહિતી મળતાં જ મૃતકનો પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પરિવારે સ્કૂલ સંચાલક પર હત્યાની શંકા વ્યક્ત કરી અને સ્કૂલ સંચાલકની પૂછપરછની માંગણી સાથે સિંઘાણી ગામમાં દિલ્હી જયપુર રોડ પર ગ્રામવાસીઓએ ચક્કાજામ કરી દીધો. આ જામ લગભગ ચાર કલાક સુધી ચાલ્યો. ત્યારબાદ સ્થાનિક પોલીસ અધિકારીઓ દોડ્યા અને ચારેક કલાક બાદ સ્થિતિ કાબૂમાં લીધી હતી.
આપણ વાંચો: આ બિહારી બાળકોની વ્યથાથી સોનૂ સૂદનું હૃદયતો પિગળ્યું, પણ સરકાર શું કરે છે?