અયોધ્યામાં સૌથી પહેલી ફ્લાઈટ ઉડાડવાની તક મળી એ પાઈલટ છે કોણ, જાણો?

નવી દિલ્હીઃ અયોધ્યા જતી પ્રથમ પેસેન્જર ફ્લાઈટમાં ટેક ઓફ કરતી વખતે જય શ્રી રામના નારા સાથે ગૂંજી ઊઠી હતી. અને તે નારા લગાવનાર પાઈલટની ખૂબ જ ચર્ચામાં છે. દિલ્હીથી ભગવાન રામની નગરી અયોધ્યા માટે પહેલી ફ્લાઈટ ટેક ઓફ કરતા પહેલા ઈન્ડિગોના પાઈલટ આશુતોષ શેખરે પ્લેનમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. તેમજ તેમણે ફ્લાઈટના મુસાફરોને સંબોધતા કહ્યું હતું કે તેઓ પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે તેમની કંપનીએ તેમને અયોધ્યા માટે પ્રથમ ફ્લાઈટ ઉડાડવાની જવાબદારી સોંપી છે.
કેપ્ટન આશુતોષની સોશિયલ મિડીયા પ્રોફાઈલ મુજબ આશુતોષ બિહારનો રહેવાસી છે અને તેણે પટનાની સેન્ટ કેર્ન્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. આશુતોષ ખૂબ જ અનુભવી પાઈલોટ હોવા ઉપરાંત વર્લ્ડ રેકોર્ડ પણ તેમના નામે છે. તેઓ 1996માં વિદ્યાર્થી પાઇલટ તરીકે સિવિલ એવિએશનમાં જોડાયા હતા. તેમની પાસે 11,000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તે 2015થી 5 વર્ષ સુધી લાઇન ટ્રેનર છે અને 2020 માં ઓડિટ પાઇલટ તરીકે IndiGo ખાતે ફ્લાઇટ ઓપરેશન્સ સેફ્ટી ટીમમાં જોડાયો. કોમર્શિયલ રૂટ પર સૌથી વધુ સ્પીડનો વર્લ્ડ રેકોર્ડ તેમના નામે છે. ડોમેસ્ટિક રૂટ પર વર્લ્ડ રેકોર્ડ બનાવનાર તે પ્રથમ ભારતીય પાઈલટ છે.
શનિવારે 43 વર્ષીય આશુતોષ શેખરે તેમના કો-પાયલટ નિખિલ બક્ષી અને કેબિન ઈન્ચાર્જ કીર્તિનો પ્લેનમાં સવાર મુસાફરો સાથે પરિચય કરાવ્યો હતો. શેખર જ્યારે મુસાફરોને સંબોધિત કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની શ્વેતા રંજને આ ક્ષણોને તેમના કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી. શ્વેતાએ કહ્યું હતું કે આ જીવનભરનું સંભારણું છે. તેમજ દિલ્હી અને અયોધ્યા વચ્ચેના સમગ્ર એક કલાકના પ્રવાસ દરમિયાન મુસાફરોએ મંત્રોચ્ચાર અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા અને ભજન ગાયા હતા. કેબીનનું સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું.
યાત્રીઓ વિશે વાત કરતા શ્વેતાએ જણાવ્યું હતું કે તેઓએ ભગવા રંગના કપડા પહેર્યા હતા અને તેમજ ઘણાએ ભગવા રંગની પાઘડી પણ પહેરી હતી. તોમજ તેઓ ગંગા જળ, અગરબત્તીઓ, ફૂલો અને મીઠાઈઓ લઈને જઈ રહ્યા હતા. તેમાંથી કેટલાકે ભગવા ધ્વજ સાથે ‘જય શ્રી રામ’, ‘ઓમ’ અને ‘સ્વસ્તિક’ પણ લીધા હતા. તેમજ અયોધ્યાથી પરત ફરતી વખતે પ્લેનમાં પણ આવું જ વાતાવરણ હતું. પરત ફરતી વખતે પ્રવાસ કરનારાઓમાં કેન્દ્રીય પ્રધાન વીકે સિંહ પણ સામેલ હતા.
અયોધ્યા આવતા વખતે પ્લેન દિલ્હીથી બપોરે 2:40 વાગ્યે ટેકઓફ થયું અને 4 વાગ્યે અયોધ્યામાં લેન્ડ થયું અને પરત ફરતી વખતે તે 4:40 વાગ્યે રવાના થયું અને 5:55 વાગ્યે દિલ્હી પહોંચ્યું હતું. શેખરના પિતા મુક્તેશ્વર સિંહએ જણાવ્યું હતું કે તેમના પરિવાર માટે આ ગર્વની ક્ષણ છે કારણ કે વડા પ્રધાન દ્વારા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમનો પુત્ર પ્રથમ કોમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ લઈને જઈ રહ્યો છે.