Top Newsનેશનલ

ક્યા દેશમાં સૌથી વધારે થઈ છે સેલ્ફી ડેથ? જાણીને ચોંકી જશો

એક સમયે પરિવાર પાસે પોતાનો કેમેરો હોવો લક્ઝરી ગણાતી, પરંતુ હવે મોબાઈલ આવ્યા બાદ કેમેરા એકદમ કોમન વસ્તુ બની ગયા છે. દરેક એન્ટ્રોઈડ કે આઈફોનમાં કેમેરા હોય છે અને નાનું બાળક પણ તેને આસાનીથી ઑપરેટ કરી શકે છે. આ ડિજિટલ ક્રાંતિના ફાયદા ઘણા છે, પરંતુ તેનો ઉપયોગ કરનારની મૂર્ખાઈ કે બેદરાકરી વરવા પરિણામો લાવે છે.

દરેકના હાથમાં મોબાઈલ અને કેમેરા હોવાથી પળેપળના ફોટા અને વીડિયો ઉતારવાની ઘેલછા ખાસ કરીને યુવાનોમાં જોવા મળે છે. પોતાના જ ફોટા પોતે લેતા એટલે કે સેલ્ફી લેતા લોકો ઘણીવાર વિચાર નથી કરતા કે તેઓ ક્યાં ઊભા છે, તેમનું જીવન જોખમમાં છે કે શું. આવા સેલ્ફી લેતા લોકો વિશે અમેરિકાની The Barber Law Firm દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2014થી 2025 સુધીમાં સેલ્ફી લેવા જતા ક્યા દેશમાં કેટલા મોત કે ઈજાઓ થઈ છે અને કયો દેશ સેલ્ફી માટે સૌથી વધારે જોખમી છે, તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડામાં ભારતને સૌથી વધુ જોખમી દેશ જાહેર કરવામાં આવ્યો છે અને બીજા નંબરે અમેરિકા છે. ભારત અને અમેરિકાની વસ્તી જોતા બન્ને દેશમાં સેલ્ફી માટેની ઘેંલછા લગભગ એકસરખી જ છે.

આ પણ વાંચો: સાવધાન! આબુમાં સેલ્ફી લેવા જતા ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા અમદાવાદના યુવકનું મોત…

ભારતમાં સેલ્ફીએ લીધો આટલાનો જીવ

આ ફર્મ દ્વારા કરવામા આવેલા સર્વે અનુસાર આખા વિશ્વના કુલ મૃત્યુમાંથી 42 ટકા મૃત્યુ ભારતમાં થયા છે. સેલ્ફી લેતા ભારતમાં 271 અકસ્માત થયા છે, જેમા 214 મૃત્યુ નોંધાયા છે અને 57ને ઈજા થઈ છે. આ વધારે પડતા કેસનાં કારણોમાં ભારતમાં જોખમી જગ્યાઓ પર આસાનીથી જઈ શકાય છે, સોશિયલ મીડિયા કલ્ચરનું વધારે પડતું ચલણ છે અને વસ્તી પણ વધારે હોવાથી મૃત્યુ વધારે નોંધાયા છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશના સિહોરમાં બની દુર્ઘટના! ભેરુખા ધોધ પર સેલ્ફી લેતા બે વિદ્યાર્થી તણાયા

અમેરિકા અને પાકિસ્તાન કેટલામાં સ્થાને છે?

ભારત પછી સેલ્ફીથી સૌથી વધારે મોત થયેલા દેશોમાં અમેરિકા બીજા નંબરે આવે છે. વસ્તીના પ્રમાણમાં અહીં પણ ઘણા કેસ નોંધાયા છે. અમેરિકામાં સેલ્ફી લેતા સમયે કુલ 45 અકસ્માત નોંધાયા છે, જેમાં 37 મોત અને 8ને ઈજા થઈ છે. અમેરિકા બાદ રશિયામાં 18 મોત અને એક ઈજાગ્રસ્ત છે, જ્યારે પાકિસ્તાન ચોથા ક્રમાંકે છે અહીં 16 મોત નોંધાયા છે. સ્ટ્રેલિયામાં 13 જણાએ જીવ ગુમાવ્યો છે.

આ બધા દેશોમાં સોશિયલ મીડિયામાં પોતાના ફોટા મૂકી લાઈક્સ મેળવવાની ઘેલછા છે. પરફેક્ટ કે અલગ પ્રકારની સેલ્ફી લેવાના ચક્કરમાં કેટલાય યુવાનો જીવ ગુમાવે છે. આથી તમારો કોઈ ફોટો જીવનનો આખરી ફોટો બની જાય તે રીતે જોખમી સ્થળો પર સેલ્ફી લેવાનો ક્રેઝ છોડી દેવો તે જ આ સમસ્યાનો ઉકેલ છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button