Top Newsઆપણું ગુજરાતનેશનલ

ગુજરાતના કયા 21 રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થયું? સંસદમાં રેલવે પ્રધાને આપી માહિતી

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાત, રાજસ્થાન, એમપીમાં રેલવે સુવિધાઓનો કાયાકલ્પ: જાણો સ્ટેશનની સંપૂર્ણ યાદી

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેમાં પશ્ચિમ દિલ્હીના સાંસદ અંજુ શર્માએ પૂછ્યું કે, દેશમાં હાલમાં કેટલા રેલવે કોચ (ડબ્બા) ઉત્પાદન એકમો કાર્યરત છે, દેશભરમાં રેલવે કોચ ઉત્પાદન સુવિધાઓના વિકાસ પર કરવામાં આવેલા ખર્ચની વિગત શું છે, સરકાર દ્વારા રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં રેલવે સ્ટેશનોના વિકાસ માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે, સરકાર દ્વારા રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં હાઇ-સ્પીડને અનુકૂળ રેલવે ટ્રેકના વિસ્તરણ માટે શું પગલાં લેવામાં આવ્યા છે અને આ અંગે કરવામાં આવેલા ખર્ચની વિગત શું છે તેમ જ સરકાર દ્વારા પરંપરાગત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીના ડબ્બાઓને સ્થાને લિન્ક હોફમેન બુશ (LHB) ડબ્બાઓનો ઉપયોગ કરવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે કે લેવામાં આવી રહ્યા છે? સવાલ પૂછ્યો હતો.

આ સવાલ અંગે રેલવે, માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું, હાલમાં, રેલવે મંત્રાલય હેઠળ દેશભરમાં ત્રણ પેસેન્જર કોચ ઉત્પાદન એકમો કાર્યરત છે. કોચ ઉત્પાદન એકમોના વિકાસનો ખર્ચ વિવિધ પરિબળો જેવા કે સ્થાન, ઉત્પાદિત કરવામાં આવનારા કોચના પ્રકાર, આયોજિત ઉત્પાદન ક્ષમતા અને સ્થાપિત કરવામાં આવનાર મશીનરી અને પ્લાન્ટ પર આધાર રાખે છે.

કોચ ઉત્પાદન એકમોના વિકાસ પર લાંબા ગાળા સુધી અને અનેક તબક્કામાં ખર્ચ કરવામાં આવે છે, જેમાં એકમોની પ્રારંભિક સ્થાપનાની સાથે સમય-સમય પર સુવિધાઓનું અપગ્રેડેશન અને સંવર્ધન પણ સામેલ હોય છે. ઉદાહરણ તરીકે, નવીનતમ કાર્યરત કોચ ઉત્પાદન એકમ મોડર્ન કોચ ફેક્ટરી, રાયબરેલીની સ્થાપના પર 3042.83 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, ત્રણ કાર્યરત કોચ ઉત્પાદન એકમો એટલે કે ઇન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી (ચેન્નાઈ), રેલ કોચ ફેક્ટરી (કપૂરથલા), અને મોડર્ન રેલ કોચ ફેક્ટરી (રાયબરેલી) ના અપગ્રેડેશન સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સ માટે 2443 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

અમૃત ભારત સ્ટેશન અન્વયે સ્ટેશન રિડેવલપમેન્ટ

'અમૃત ભારત' હેઠળ સ્ટેશનોનું આધુનિકીકરણ પણ પ્રવાસીઓને હાલાકી કેમ, કારણ શું?

રેલવે મંત્રાલયે લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે સ્ટેશનોના રિડેવલપમેન્ટ માટે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરી છે. આ યોજનામાં સ્ટેશનોને બહેતર બનાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવો અને તબક્કાવાર રીતે તેનું અમલીકરણ સામેલ છે. માસ્ટર પ્લાનના આયોજનમાં સ્ટેશન સુધી પહોંચવાના માર્ગ અને સર્ક્યુલેટિંગ એરિયામાં સુધારો, શહેરની બંને બાજુના સ્ટેશનનું એકીકરણ, સ્ટેશન બિલ્ડિંગમાં સુધારો, વેઇટિંગ રૂમ, શૌચાલય, બેસવાની વ્યવસ્થા અને પીવાના પાણીના બૂથમાં સુધારો જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આ યોજનામાં જરૂરિયાત મુજબ, તબક્કાવાર અને વ્યવહારુ રીતે પર્યાવરણને અનુકૂળ ઉકેલો, બેલાસ્ટલેસ ટ્રેકની વ્યવસ્થા વગેરે અને લાંબા ગાળે સ્ટેશન પર સિટી સેન્ટરોના નિર્માણની પણ પરિકલ્પના કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં આ યોજના હેઠળ વિકાસ માટે 1337 સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 87 સ્ટેશનો, મધ્યપ્રદેશના 80 સ્ટેશનો અને રાજસ્થાનના 85 સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. અત્યાર સુધી 172 સ્ટેશનોનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમાંથી ગુજરાતના 21 સ્ટેશનો પર કામ પૂર્ણ થઈ ગયું છે.

ગુજરાતના આ સ્ટેશનોનું કામ પૂર્ણ

ડાકોર, દેરોલ, ગોધરા જંકશન, હાપા, જામ જોધપુર, જામ વંથલી, કાનાલુસ જંકશન, કરમસદ, ખંભાળિયા, કોસંબા જંકશન, લીંબડી, મહુવા, મીઠાપુર, મોરબી, ઓખા, પાલીતાણા, પોરબંદર, રાજુલા જંકશન, સામખિયાળી, સિહોર જંકશન, ઉત્રાણ.

રાજસ્થાન-એમપીના સ્ટેશનોનું કામ પૂર્ણ

રાજસ્થાનના 12 સ્ટેશનો બાડમેર, બુંદી, દેશનોક, ફતેહપુર, શેખવટી, ગંગાપુર સિટી, ગોગામેરી, ગોવિંદગઢ, જેસલમેર, ખૈરથલ, મંડલગઢ, મંડાવર મહવા રોડ, રાજગઢનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે મધ્યપ્રદેશના 14 સ્ટેશનો વ્યોહારી, ભિંડ, હરપાલપુર, જુનોર દેવ, કટની સાઉથ, એમસીએસ છતરપુર, નૈનપુર જંકશન, નર્મદાપુરમ, ઓરછા, સાંચી, સિવની, શાજાપુર, શ્રીધામ, વિદિશાનું કામ પૂરું થઈ ગયું છે.

અસારવાની કાયાપલટ થશે

અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પર નવા વેઇટિંગ રૂમ, બુકિંગ કાઉન્ટરો, વરંડા અને શૌચાલય બ્લોક સાથે સ્ટેશનના નવા બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે કોનકોર્સ એરિયાનું (મુખ્ય હોલ) કામ પૂર્ણતાના આરે છે. નવા પ્લેટફોર્મ શેલ્ટરનું નિર્માણ, પ્લેટફોર્મની સપાટીને લગતી કામગીરી, સર્ક્યુલેટિંગ એરિયા અને પાર્કિંગ વિસ્તારનો વિકાસ તેમજ દિવ્યાંગજનો માટેની સુવિધાઓ પૂરી પાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ફંડ ઉપલબ્ધતા મુજબ પ્રાથમિકતા

આ ઉપરાંત, ભારતીય રેલવેમાં સ્ટેશનોના ડેવલપમેન્ટ/રિડેવલપમેન્ટ/અપગ્રેડેશન/મોર્ડનાઈઝેશનની કામગીરી એક સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને આ સંદર્ભમાં કાર્યોને પરસ્પર અગ્રતા અને ભંડોળની ઉપલબ્ધતાને આધીન જરૂરિયાત મુજબ શરૂ કરવામાં આવે છે. કોઈ પણ સ્ટેશનના ડેવલપમેન્ટ/રિડેવલપમેન્ટ/અપગ્રેડેશન/મોર્ડનાઈઝેશન સંબંધિત કાર્યો સ્ટેશનની શ્રેણી/અવસ્થા/ત્યાંના ટ્રાફિક વગેરેના આધારે કરવામાં આવે છે.

બે ઝોનમાં ગુજરાત રાજ્ય આવે છે

અમૃત ભારત સ્ટેશન યોજના સહિત સ્ટેશનોના ડેવલપમેન્ટ/અપગ્રેડેશન/મોર્ડનાઈઝેશન માટે સામાન્ય રીતે યોજના શીર્ષ-53 ‘ગ્રાહક સુવિધાઓ હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ભંડોળની ફાળવણી અને ખર્ચની વિગતો યોજના શીર્ષ-53 હેઠળ ઝોનલ રેલવે-વાર રાખવામાં આવે છે, નહીં કે કાર્ય-વાર, સ્ટેશન-વાર કે રાજ્ય-વાર. ગુજરાત બે ઝોનલ રેલવે, એટલે કે ઉત્તર પશ્ચિમ રેલવે અને પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્રમાં આવે છે. આ ઝોનલ રેલવે માટે નાણાકીય વર્ષ 2025-26 માટે 2,081 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી અત્યાર સુધીમાં 1,629 કરોડ રૂપિયા (ડિસેમ્બર 2025 સુધીમાં) નો ખર્ચ કરવામાં આવ્યો છે.

હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ્સ

સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જાપાન સરકારના ટેકનિકલ અને નાણાકીય સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ (508 કિમી) અમલીકરણ હેઠળ છે. આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય અને દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં 12 સ્ટેશનો છે.

ગુજરાત સેક્શન (આશરે 352 કિમી, જેમાં દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે)માં વાપી અને સાબરમતી વચ્ચે આઠ સ્ટેશનો ધરાવતો કોરિડોર છે, જેમાં વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો છે. ડિસેમ્બર 2025 સુધીમાં આ પ્રોજેક્ટ પર આશરે 86,939 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button