નેશનલ

શેરીમાં રખડતા શ્વાને દીકરાને બચકું ભર્યું તો પિતાએ કર્યુ એવું કે આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ

ગોરખપુરઃ રખડતા શ્વાનનો આતંક દેશમાં ઠેર ઠેર છે. ગુજરાતમાં તો એટલો છે કે હાઈ કોર્ટે પણ સરકારને ટકોર કરી છે. આમ તો બહુ વફાદાર ગણાતા શ્વાન જ્યારે કરડી ખાય ત્યારે માણસની હાલત ખરાબ થઈ જાય છે અને ઘણીવાર મોત થયાના કિસ્સા પણ બન્યા છે. જોકે ગોરખપુરમાં એક અલગ જ કિસ્સો બન્યો જ્યાં દીકરાને શ્વાને બચકું ભરતા પિતાએ શ્વાનને મોતને ઘાટ ઉતાર્યો. હવે પોલીસ આ માણસને શોધી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના ઉત્તર પ્રદેશના ગોરખપુરના ખોરાબાર થાણાની છે. અહીં પાર્કમાં રમતા બાળકોમાંથી એક બાળકને શ્વાન કરડી ગયો તો પિતાએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી રખડતા શ્વાનને બે ગોળી ધરબી દીધી. વિસ્તારમાં ગોળીઓનો અવાજ આવતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. દરમિયાન શ્વાનને આ રીતે મારી નાખ્યાની વાત જાણમા આવતા એનજીઓએ પણ ફરિયાદ કરી છે. હવે સીસીટીવીના આધારે પોલીસ એ પિતાને શોધી રહી છે.

એ વાત સો ટકા સાચી કે આ રીતે મૂંગા જીવની હત્યા ન કરી શકાય, પરંતુ રખડતા શ્વાન અને અન્ય ઢોરની સમસ્યાનો પણ કાયમી ઉકેલ લાવવો એટલો જ જરૂરી છે. શ્વાનના હુમલા, તેને લીધે થતાં અકસ્માત વગેરેના કિસ્સા વારંવાર બહાર આવે છે, આથી આના કારણો અને ઉપાયો શોધવાની જરૂર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button