નેશનલ

દેવામાં ડૂબેલા પિતાએ આત્મહત્યા કરી તો પોલીસે કન્યાદાન કર્યું

સામાન્ય રીતે આપણે પોલીસ વિશે નકારાત્મક વાતો જ સાંભળતા હોઇએ છીએ કે પોલીસે મારપીટ કરી, પોલીસે લાંચ લીધી વગેરે વગેરે…. પણ સિક્કાની બે બાજુ હોય છે એમ પોલીસમાં પણ માનવતા હોય છે અને ક્યારેક તેઓ સારા કામ કરીને માનવતાને મહેંકાવવાનું કાર્ય પણ કરતા હોય છે, જેને પણ આપણે જાણવાની જરૂર છે. આવો જ એક કિસ્સો હાલમાં ઉત્તર પ્રદેશમાં બની ગયો. યુપીના શાહજહાંપુર જિલ્લામાં પોલીસનો માનવ ચહેરો જોવા મળ્યો હતો.

ઘટનાની વિગત મુજબ શાહજહાંપુરની પોલીસે એક યુવતીના લગ્નનું આયોજન કર્યું હતું. યુવતીના પિતાએ દેવાને કારણે આપઘાત કરી લીધો હતો. પોલીસે માનવીય સહાનુભૂતિ બતાવીને આ દલિત યુવતીના લગ્ન કરાવ્યા હતા. આ યુવતીના લગ્નનો સમગ્ર ખર્ચ જિલ્લા પોલીસે ઉઠાવ્યો હતો. પોલીસ અધિકારીઓએ તેનું કન્યાદાન પણ કર્યું હતું. લગ્નમાં 500 મહેમાનોએ હાજરી આપી હતી. લગ્ન સંપન્ન થયા બાદ દીકરીને સોના-ચાંદીના દાગીના અને અન્ય ભેટસોગાદો આપી વિદાય કરવામાં આવી હતી.

ા અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રામ આસારે (42) ટેમ્પો ચલાવતા હતા. તેમણે બેંકમાંથી લોન લીધી હતી. તેમની 22 વર્ષીય પુત્રીના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. લગ્ન અને લોનની ચુકવણીની ચિંતામાં રામ આસારેએ 16 એપ્રિલે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પોલીસ અધિકારીને મૃતકના ઘરે ગયા તો તેમને આ સમગ્ર ઘટનાની જાણ થઈ અને તેમણે દીકરીનું કન્યાદાન કરવાનું નક્કી કર્યું.

પોલીસે લગ્નના કાર્ડ પ્રિન્ટ કરાવ્યા અને દુલ્હનના સંબંધીઓને આમંત્રણ આપ્યું. લગ્નમાં આવેલા મહેમાનોની ખાતિરદારી કરી અને દુલ્હનને લગ્નમાં વોશિંગ મશીન, રેફ્રિજરેટર, ડબલ બેડ, સોફા સેટ, ચેસ્ટ અને સોના-ચાંદીના ઘરેણાં પણ ભેટ આપ્યા. દુલ્હનને પોલીસ સ્ટેશનના અધિકારીઓના નંબર સાથએ મોબાઇલ ફોન પણ આપવામાં આવ્યો હતો જેથી તેને કોઇ સમસ્યા હોય તો તે પોલીસ સ્ટેશનમાં સીધો ફોન કરી શકે.

પોલીસના આવા માનવતાના કાર્યની બધા પ્રશંસા કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button