જ્યારે રતન ટાટા ખુદ મેનેજર શાંતનુની નવી કાર જોવા પહોંચ્યા…
ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાને ખાસ કોઈ પરિચયની જરૂર નથી. તેઓ તેમની નમ્રતા અને આ ઉંમરે પણ કંઈક નવું જાણવા, શીખવા અને સમજવાના એટિટ્યૂડને કારણે ખૂબ જ લોકપ્રિય છે. દર થોડા દિવસે કોઈ પ્રેરણાદાયી કે નવું શિખવી જતી પોસ્ટ કરીને રતન ટાટા દેશના નવયુવાનોને પ્રેરણા આપતા હોય છે. હાલમાં ફરી એક વખત રતન ટાટા ચર્ચામાં આવ્યા છે અને એનું કારણ છે તેમનો મેનેજર શાંતનુ.
વાત જાણે એમ છે કે રતન ટાટાના મેનેજર અને ગુડફેલોના સંસ્થાપક શાંતનુ નાયડુએ ટાટા સફારી એસયુવી ખરીદી કરી હતી અને મજાની વાત તો એ છે કે ખુદ રતન ટાટાએ શાંતનુએ ખરીદી કરેલી એસયુવીનું નિરીક્ષણ કર્યું હતું અને એના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
વાઈરલ થઈ રહેલાં ફોટોમાંથી એક ફોટોમાં રતન ટાટા ખુજ પોતાના નેતૃત્વ હેઠળ નવી નવી ઉંચાઈઓ હાંસિલ કરનારી કંપનીની નવી SUV ઉત્સાહથી જોતા દેખાઈ રહ્યા છે. શાંતનુએ આ કારનું નામ યુકી રાખ્યું છે.
અહીંયા તમારી જાણ માટે કે ટાટા સફારી પહેલાં શાંતનુ નાયડુ રતન ટાટાની ડ્રીમ કાર ટાટા નેનો ચલાવતો હતો. શાંતનુ માટે એસયુપી કાર ખરીદીવી એ એક મોટી છલાંગ જ છે અને તે હાલમાં પોતાની આ ડ્રીમ કારનો આનંદ ઉઠાવી રહ્યો છે. શાંતનુએ આ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં કારની પોતાને ગમતી વાતોનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે તેણે કેટલીક એવી ટિપ્સ પણ શેર કરી છે કે જેને કારણે આ કારના મોડેલને વધુ સારી બનાવી શકાય એમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રતન ટાટા સૌથી પ્રસિદ્ધ ભારતીય અબજોપતિમાંથી એક છે અને તેમનો મેનેજર શાંતનુ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. નવી સફારી કાર વિશે તેની પોસ્ટે અનેક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, કારણ કે શાંતનુએ ડિગ્રી પૂરી કર્યા બાદ ઓટોમોબાઈલ ડિઝાઈનિંગ એન્જિનિયર તરીકે પુણેના ટાટા એલેક્સી ખાતે નોકરી પણ મેળવી છે. પરિણામે લોકોને તેનો મત એકદમ વિશ્વસનીય છે.